ઉત્તર ગુજરાતગુજરાત

અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ પર લકઝરી બસ પલટી, 30 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી

Text To Speech

અંબાજી, 3 ડિસેમ્બર 2023: ગુજરાતમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. બેફામ પણે વાહન હાંકતાં વાહન ચાલકોને કારણે હાઈવે પર થતાં અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે અંબાજી પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં દાંતાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

બસમાં 50 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યાં હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે અંબાજી મંદિરમાં દર્શન કરીને રાજકોટ, મોરબી અને જામનગરના મુસાફરો લકઝરી બસમાં પરત ફરી રહ્યાં હતાં. આ દરમિયાન ત્રિશૂળિયા ઘાટ પર લકઝરી બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ બસમાં 50 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યાં હતાં. બસ પલટી ખાઈ જતાં 30 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ દ્વારા દાંતાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

108 અને પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો
અકસ્માતની ઘટનાને પગલે ઘાટ પરથી પસાર થનારા વાહનો થંભી ગયા હતાં અને પલટી ગયેલી બસમાં ફસાઈ ગયેલા મુસાફરોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી હતી. આ દરમિયાન પોલીસ અને 108નો સંપર્ક કરતાં તાત્કાલિક પોલીસ અને 108ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પોલીસે ઘાટ પર ટ્રાફિક ના થાય તે માટે ટ્રાફિક નિયમન કરાવ્યું હતું અને 108માં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યાં હતાં. બીજી તરફ લકઝરીમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ કોંગ્રેસની ભ્રષ્ટ સરકારને કાઢવા રાજસ્થાનની જનતાએ ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યુઃ નીતિન પટેલ

Back to top button