લમ્પી વાયરસનો કહેર : બનાસકાંઠાના વધુ 4 ગામોમાં પ્રસર્યો વાયરસ, 10 પશુઓના મોત


પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસ વધુ 4 ગામમાં પ્રસર્યો છે. જે હજુ અટકવાનું નામ લેતો નથી. ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો લમ્પી વાયરસમાં સપડાયેલી ગાયોને બચાવવા તેમની વ્હારે આવ્યા છે. ત્યારે અલગ અલગ જગ્યાએ આયુર્વેદિક લાડુ બનાવી રોજે-રોજ પશુઓને ખવડાવી લમ્પીથી બચાવવા માટે મથામણ કરી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા પશુઓને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શનિવારે વધુ ચાર ગામોમાં લમ્પી વાયરસે પગ પેસરો કર્યો છે. અત્યાર સુધીમાં કુલ 951 ગામોમાં લમ્પી વાયરસ વાયરસ પ્રસરી ચૂક્યો છે. જેમાં વધુ 248 પશુઓ લમ્પી વાયરસ વાયરસમાં સપડાયા છે. જ્યારે કુલ 36,762 પશુઓ લમ્પીગ્રસ્ત નોંધાયા છે.
ત્યારે શનિવારે વધુ 10 પશુઓના મોત સાથે સરકારી ચોપડે કુલ 824 પશુઓના મોત થયાનું નોંધાયું છે. પશુઓમાં લમ્પી વાયરસને કાબુમાં લેવા માટે સરકારે પશુઓમાં રસીકરણ કરવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં 11 લાખ 70 હજાર 902 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. પરંતુ હજી ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારમાં રખડતી ગાયોમાં પણ લમ્પી વાયરસના કારણે મોત થતા હોવાના અહેવાલો મળી રહ્યા છે.