ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસનો કહેર, રાજ્ય સરકારે ભર્યા મહત્વના પગલાં
ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર પશુઓમાં જોવા મળી રહયો છે. ત્યારે પશુઓ સામે ખતરા સમાન આ વાયરસ સાબિત થઈ રહ્યો છે. સરકાર પાસે કેટલા પશુઓ મરી રહ્યા છે તેનો કોઈ ડેટા નથી પરંતુ પશુઓ મરી રહ્યા છે એ વાત ખુદ કૃષિ મંત્રીએ પણ જણાવી છે. 11 જેટલા જિલ્લાઓમાં આ વાયરસ જોવા મળી રહ્યો છે.
આજની ગાંધીનગર ખાતેની પ્રેસ કોન્ફરન્સમાં રાઘવજી પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે. મૃત્યુનો ચોક્ક્સ આંકડો નથી પરંતુ મૃત્યુ થઈ રહ્યા છે તે વાતની સ્પષ્ટતા તેમને કરી હતી. ત્યારે વહેલામાં વહેલી તકે આ રોગોનો ફેલાવો અટાકવવામાં આવશે. તેવી વાત કૃષિમંત્રીએ કરી હતી. ટૂંક સમયમાં સઘન ઝૂંબેશના ભાગરુપે આ રોગ કાબુમાં આવી જશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્રના, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં સૂરત જિલ્લામાં વાયરસ રોગ ફેલાયો છે તેના અહેવાલ મળી રહ્યા છે. સારવાર માટે આ રોગ અટાકાવવા માટે કામગીરી કરી રહ્યા છીએ. આ રોગનું પ્રમાણ વધતું જાય છે જેથી અમે આજે જ નક્કી કર્યું છે કે, રસીકરણની કામગિરી વધારવામાં આવે.
હેલ્પનાઈન નંબર અને સેવા શરૂ
પશુપાલકોએ એનિમલ હેલ્પલાઈન નં. 1962 પશુ સારવારની સેવા યોજના છે તેનો પણ લોકો ઉપયોગ કરે. લમ્પી ડીસીઝને કંટ્રોલ કરવા સમગ્ર ટીમ કામે લાગી છે. 2 લાખ જેટલો રસીનો ડોઝ અત્યારે આ રોગ સામે પશુઓને આપવા માટે છે. તત્કાલિક જરૂર પ્રમાણે જેટલી જરુર હોય એટલો ખરીદવાનો નિર્ણય લીધો છે. પાંજરાપોળ કે જે ગામમાં ફેલાવો થયો હોય તો સાર્વત્રિક રસીકરણ કરી ફેલાતા રોગને અટકાવવા માટેની કામગિરી કરાઈ રહી છે. તેમ તેમણે જણાવ્યું હતું. આ સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 3 લાખ જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પશુઓેમાં જોવા મળેલા આ રોગની અંદર લક્ષણો દેખાતા તુરંતજ પશુઓની સારવાર કરવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પશુઓમાં તાવ, શરીર પર ચામઠા પડવા જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક પશુ દવાખાનનો સંપર્ક કરી સારવાર કરાવવી જોઈએ જેથી કરીને આ વાયરસ ફેલાતો અટકાવી શકાય.
પશુને લમ્પી થાય તો સાવેચતીની જરૂર
પશુપાલકોએ સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના સૂચન મુજબ રોગીષ્ઠ પશુને સૌ પ્રથમ બીજા તંદુરસ્ત પશુઓથી અલગ કરવુ તથા તેના ખોરાક, પાણી અને માવજત અલગથી કરવી, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થાળાંતર બંધ કરવું, પશુઓના રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા રાખવી, પશુ ચિકિત્સા અધિકારીની સલાહ મુજબ યોગ્ય દવાઓ દ્વારા માખી, મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો, જેથી આ રોગનું સંક્રમણ અટકાવી શકાય.
શું છે લમ્પી વાયરસના લક્ષણો?
અત્રે ઉલ્લેખનીય છે કે, લમ્પી સ્કીન ડિસીઝ એક વાયરસ જન્ય રોગ છે, જેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા રોગિષ્ઠ પશુ સાથે સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી પણ ફેલાય છે. પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, આખા શરીરે ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, પશુનું દૂધ ઉત્પાદન ઘટવું તથા ખાવાનુ બંધ કરવું કે ખાવામાં તકલીફ પડવી વગેરે આ રોગના લક્ષણો છે. અમુક સંજોગોમાં ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક મૃત્યુ પણ પામે છે.