ઉપલેટામાં એકબાજુ લમ્પી વાઇરસથી હાહાકાર ‘ને સરકાર પાસે વેક્સિન ખૂટી પડી!
રાજકોટઃ વર્તમાન સમયમાં પશુઓમાં ફેલાઈ રહેલા લમ્પી વાયરસને લઈને રાજકોટની ઉપલેટા વડચોક ગૌ સેવા તત્કાલ એક્શનમાં આવી છે. જેમાં તંત્ર પાસેથી વેક્સિનની વ્યવસ્થા ન હોવાનું માલૂમ પડતા પોતે પોતાના સ્વખર્ચે વેક્સિનની વ્યવસ્થા કરીને પશુઓને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી સતર્કતા દાખવી છે.
ગાય-આખલામાં લમ્પીનું પ્રમાણ વધુ
ઉપલેટામાં લમ્પી વાયરસના 52 કેસ સામે આવતા તંત્ર અને પશુઓની સંસ્થાઓ સતર્ક બની છે. હાલ પશુઓમાં ફેલાઈ રહેલા લમ્પી વાઇરસને લઈ લોકો તેમજ પશુપાલકોમાં ખૂબ જ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગાય તેમજ આખલાઓમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.
રાજકોટના ઉપલેટામાં પણ વડચોક ગૌ શાળા દ્વારા આવા આ વાઇરસનો વધુ ફેલાવો ન થાય માટે સરકાર સમક્ષ પશુ ચિકિત્સામાંથી પશુઓ માટે રસીની માંગણી કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન હોવાનું માલૂમ પડતા ખુદ ઉપલેટા વડચોક ગૌ સેવા સમાજ દ્વારા પોતાના સ્વખર્ચે હજારો રૂપિયા ખર્ચીને 800 જેટલા પશુઓને રસી અપાવી છે. જ્યારે હજુ પણ 400 જેટલા પશુઓને રસી આપવામાં આવશે તેવું જણાવ્યું છે. ઉપલેટામાં આ લમ્પી વાઇરસનો વધુ ફેલાવો ન થાય માટે 10 વ્યક્તિઓ દ્વારા વડચોક ગૌ શાળા તેમજ ઉપલેટા નગરપાલિકા સંચાલીત એનિમલ હોસ્ટેલમાં પશુઓને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે આવી ગંભીર બીમારી બાબતે સરકાર પુરતી વ્યવસ્થા હોવાના દાવા કરે છે, પરંતુ ઉપલેટામાં વેક્સિનની અછત હોવાનું પણ સામે આવ્યું છે.
આ અંગે ઉપલેટા પશુ વિભાગના તબીબ ડો. અર્જુન કસુંદરાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટના ઉપલેટામાં હાલ 52 કેસ સામે આવ્યા છે ત્યારે ઉપલેટાના પશુ વિભાગ દ્વારા જે જગ્યાઓ પણ સંક્રમણ ફેલાયું છે. તે જગ્યાઓ પર સરકાર દ્વારા આપવામાં આવી રહેલી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી છે. સરકાર દ્વારા ફાળવાયેલી વેક્સિનમાંથી અત્યાર સુધીમાં 500 જેટલા પશુઓને વેક્સિન આપી દેવામાં આવી છે. જેની સાથે સાથે ઉપલેટામાં શહેરમાં વડચોક ગૌ સેવા સમાજ દ્વારા વેક્સિન બાબતે માંગણી કરવામાં આવી હતી, પરંતુ તંત્ર પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી પશુપાલકોએ સ્વખર્ચે વેક્સિનની વ્યવસ્થા કરી તબીબોને આપી હતી અને ત્યરબાદ વેક્સિનેશન ચાલુ થયું હતું. હજુ પણ કોઈ સ્વખર્ચે વેક્સિન લઇ આપશે તો સરકારી ટિમ સ્થળ પર જઇ વેક્સિન આપી દેશે.
આ બાબતે ઉપલેટાની વડચોક ગૌ સેવા સમાજ દ્વારા સરકારના અને તંત્રના ભરોસે ન રહીને સ્વખર્ચે ઉપલેટા શહેરના વડચોક ગૌ સેવા સમાજમાં તેમજ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં પોતાના સ્વખર્ચે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરીને ઉપલેટામાં રહેતાપશુઓમાં લમ્પી વાયરસ ન ફેલાઈ તે પહેલાં સતર્કતા દાખવી છે.
આ સાથે ઉપલેટા વડચોક ગૌ સેવા સમાજના ટ્રસ્ટી તેમજ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના પ્રમુખ પીયુશભાઇ માંકડીયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઉપલેટામાં હાલ 50 કરતા વધારે કેસ સામે આવ્યા છે. ત્યારે સરકારી તંત્ર પાસે સતર્કતાના ભાગરૂપે વેક્સિન અંગેની માંગણી કરી હતી, પરંતુ અપૂરતો જથ્થો હોવાનું સામે આવતા સ્વખર્ચે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી છે અને સરકારમાં પણ વિનંતી કરી છે કે, તાત્કાલિક અસરથી પૂરતો જથ્થો ફાળવી અને ઉપલેટામાં વધુ લમ્પી વાયરસ કહેર મચાવે તે પહેલાં જથ્થો ફાળવે તેવી માંગ કરી છે.