લમ્પી વાઇરસ : વાવમાં લમ્પી વાઇરસનો કહેર, 5 હજારથી વધુ પશુઓનાં મોત
બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકામાં લમ્પી વાઇરસએ હાહાકાર મચાવી દીધો છે. જેને લઈ વાવ તાલુકાના સરપંચો તેમજ વાવના ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું. લમ્પી વાઇરસને અટકાવવા તેમજ મૃત્યુ પામેલ પશુઓના માલિકોને આર્થિક સહાય આપવાની માંગ કરી હતી.
વાવ તાલુકા સરપંચ સંગઠન દ્વારા વાવ મામલતદારને આવેદનપત્ર સોપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, ગૌધનમાં મોટા પ્રમાણમાં લમ્પી રોગ પ્રસર્યો છે. ગામડે -ગામડે પશુઓ મરી રહ્યા છે. જો આ મૃત્યુ આંક અટકશે નહિ તો, અમારા વિસ્તારમાં ગૌવંશ લુપ્ત થઈ જશે. પશુ પાલકોને મોટું નુકસાન થઇ રહ્યું છે. પશુઓનું દુઃખ જોઈ શકાતું નથી. જેથી આ રોગને ડામવાના તાત્કાલિક પ્રયત્નો કરવામાં આવે. તેમજ સર્વે કરી પશુપાલકોને આર્થિક સહાય આપવામાં આવે. વાવ તાલુકાના સરપંચોએ આપેલા આંકડા પ્રમાણે વાવ તાલુકામાં 5 હજારથી વધુ પશુઓના મોત થયા છે.
લમ્પી રોગ પર કાબુ મેળવવા પગલાં લે અને સરકાર સર્વે કરાવે તેવી રજુવાત કરવામાં આવી
વાવ તાલુકા કિસાન સંઘ તેમજ પશુપાલકોએ આવેદનપત્રમાં વધુ જણાવ્યું છે કે, લમ્પીગ્રસ્ત ગૌવંશ માટે યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવા અત્યારે સ્થાનિક લેવલે સેવાભાવી લોકો તેમજ એનજીઓ દ્વારા સેવા થઈ રહેલ છે. વાવ તાલુકામાં 5 હજારથી વધુ ગૌવંશના મૃત્યુ થયા છે. લમ્પી રોગની યોગ્ય વેકસીનનું સંશોધન કરી લમ્પી રોગ પર કાબુ મેળવવા પગલાં લે અને સર્વે કરી સહાય ચૂકવે. અગાઉ ગૌવંશ માટે મુખ્યમંત્રીએ જે પાંચસો કરોડની જાહેરાત કરેલ તેનો ઠરાવ કરી સ્તવરે સહાય ચૂકવે.
લમ્પી વાઇરસના કારણે પશુઓના મરણના આંકડા
વાવ તાલુકામાં 500 થી વધુ
1. ભડવેલ 75
2. બીયોક 100
3. ભાખરી 110
4. ઉમેદપુરા 30
5. ટડાવ 65
6. ભાટવરવાસ 120
7. રાછેણા 70
8. કુંભારડી 70
9. ખરડોલ 80
10. પાનેસડા 50
11. આકોલી 70
12. ટોભા 30
13. ગોલગામ 170
14. ઢીમા 500થી વધુ
15. ભાટવરગામ 200
16. મીઠાવીચારણ 60
17. મીઠાવીરાણા 40
18. દૈયપ 70
19. પ્રતાપપુરા 70
20. નાળોદર 40
21. રામપુરા 60
22. અસારાગામ 220
23. બાલુત્રી 110
24. અરજણપુરા 30
25. તેજપુરા 20
26. લોદ્રાણી 100
27. બુકણા 100
28. વાવડી 250
29. અસારાવાસ 60
30. ધરાધરા 120
31. ખીમાણાવાસ 325
32. ચાંદરવા 155
33. કુંડાળીયા/બરડવી 200
34. રાધાનેસડા 40
35. માવસરી 45
36. આછુંવા 70
37. દેથળી 113
38. કોળાવા 50
39. ખીમાણાપાદર 160
40. તીર્થગામ 80
41. એટા 45
42. લાલપુરા 8
43. ઉચપા/ચુવા 80
44. સપ્રેડા 90
45. ફાંગડી 60
46. જોરડીયાળી /તખતપુરા 80
47. કારેલી/ગામડી/ચંદનગઢ 50
48. વાસરડા 150
49. ચોટીલ 150
મૃત પશુઓને દફનાવવા લોકો આવ્યા આગળ
વાવ તાલુકામાં નરેશભાઈ ડી રાજપુતે પોતાના જેસીબી મશીન તેમજ હીટાચીથી 200 થી વધુ પશુઓને દફનાવામાં આપ્યા છે. અગાઉ પણ ભમરભાઈ રાજપુતે પણ પોતાના જેસીબી મશીનથી પશુઓ દફનાવી ઉમદા સેવા કરી હતી.વાવ સરપંચ દિવાળીબેન વેંઝિયાએ જણાવ્યું હતુંકે વાવમાં 500 થી વધુ પશુઓના મોત થયા છે હાલ પંચાયત દ્વારા દફનાવવામાં આવી રહ્યા છે.
તાલુકાના સરપંચોનો દાવો
1. ઢીમાના સરપંચ જિજ્ઞાબેનના પિતા માંનાભાઈ રાજપુતે જણાવ્યું હતું કે, મારા ગામમાં રોજ 25પશુઓ મૃત્યુ પામી રહ્યા છે. હાલ આંકડો 600 સુધી પહોંચવા આવ્યો છે. જેને જોવા આવવું હોય તે જોઈ શકે છે.
2. રાછેણા ગામના સરપંચ કિરણસિંહ રાજપુતે જણાવ્યું કે, મારા ગામમાં 70 પશુઓના મોત થયા છે. તાલુકામાં 5 હજારથી વધુ પશુઓના મોત થયા છે.
3. ખીમાણાવાસ ગામના મહિલા સરપંચના પતિ વરધાજી ગોહિલે જણાવ્યું હતું કે, મારા ગામમાં 325 પશુઓ અમે દફનાવ્યાં છે. તેના ફોટા પણ અમારી પાસે છે.
4. ગોલ ગામનાં સરપંચ દિનેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, મારા ગામમાં 170 પશુઓના મોત થયા છે.
વાવ તાલુકાનો મંગાવામાં આવ્યો રિપોર્ટ
બનાસકાંઠામાં લમ્પી વાયરસની પશુઓને અસર થવા માંડી હતી, ત્યારથી જ ગામોમાં મોનીટરીંગ માટે વેટરનરી ઓફિસરોને મુકવામાં આવ્યા હતા. જેમના દ્વારા કોઈપણ પશુનું મોત થાય તો પશુની ટેગ, ગામનું નામ અને ફોટો મેળવીને રિપોર્ટ કરાતો હતો. અત્યારે વાવમાં પશુઓના મોત અંગે સરપંચોએ રજૂઆત કરી છે. જેના માટે આ તાલુકાઓમાં મદદનીશ પશુપાલન નિયામકને ગામોમાં જઈ સરપંચો સાથે મળીને તેનો રિપોર્ટ મગાવામાં આવ્યો છે.