ગુજરાત

ગુજરાતમાં ‘લમ્પી’ વાયરસનો ખતરો! જાણો- પશુઓ માટે કેટલો જીવલેણ છે વાયરસ?

Text To Speech

ગુજરાતમાં હવે ‘લમ્પી’ વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. જામનગર અને દ્વારકામાં ગાય સહિતના પશુઓમાં ‘લમ્પી’ વાયરસ ફેલાતા ફફડાટ ફેલાયો છે. ‘લમ્પી’ વાયરસના કારણે જામનગર અને દ્વારકામાં અનેક પશુઓના મોત થયા છે.

પશુઓ પર ‘લમ્પી’નું જોખમ
જામનગરમાં 200થી વધુ ગાયમાં ‘લમ્પી’ વાયરસના કેસ નોંધાયા છે. આ વાયરસના કારણે અનેક ગાયના મોત પણ થયા છે. તો દ્વારકામાં 10 ગાયના મોત થયા છે. છેલ્લા બે સપ્તાહથી 285 ગાય-નંદીમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે..જેને લઇ આરોગ્ય વિભાગ દ્વારા વાયરસને ફેલાતો અટકાવવાના પ્રસાયો હાથ ધરવામાં આવ્યાં છે. દ્વારકામાં બે સપ્તાહ પહેલા એક ગાય બીમાર હોવાની જાણ ગૌ-સેવકોને કરવામાં આવી હતી. ત્યારબાદ, દ્વારકા નગર પાલિકાએ ગાય-નંદીમાં ફેલાતા વાયરસને અટકાવવા શકય પ્રયાસો શરૂ કર્યા. પશુપાલન વિભાગ, સ્થાનિક ગૌ-સેવકોને સાથે રાખી શહેરના હોમગાર્ડ ચોક નજીક એક જગ્યાએ પશુઓને એકઠી કરી સારવાર આપવામાં આવી હતી બરડીયાથી વરવાળા સુધીમાં છેલ્લા 15 દિવસમાં 285 ગાય-નંદીને અહીં લાવવામાં આવ્યા છે.તે પૈકી 100 પશુઓ વાયરસની અસરથી મુકત થઈ ગયા છે તેમજ અન્ય 180 પશુઓની તબિયત હાલ સુધારા પર છે.

લમ્પી વાયરસના લક્ષણોની વાત કરીએ તો પશુના શરીર પર મોટા ફોડલા થવા, પગમાં સોજા થવા, નાકમાંથી પ્રવાહી કે લોહી નિકળવુ, ખોરાક ન લેવો, પશુનું લાંબા સમય સુધી સ્થિર રહેવુ, તાવ સહિતના લક્ષણો જોવા મળે છે. 3થી 5 દિવસમાં સારવાર ન મળે તો વાયરસ જીવલેણ બની શકે છે.

કેવી રીતે ફેલાય છે ‘લમ્પી’ ?
ચામડીમાં જ્યારે કાણા પડે છે, ત્યારે તેમા માખી અને મચ્છર બેસે છે અને તે ત્યાંથી ઉડી અન્ય ગાયો પર જઇને બેસે છે. આવી રીતે આ રોગનું સંક્રમણ અન્યમાં ફેલાય છે. ઉપરાંત દૂષિત પાણી અને ખોરાક દ્વારા પણ ફેલાય છે. મોટાભાગે આ રોગ ચોમાસાની ઋતુમાં ફેલાય છે.

આ વાયરસનું ઉદભવ સ્થાન આફ્રિકા માનવામાં આવે છે. અહીં વર્ષ 1929માં આ રોગની ઓળખ થઈ હતી. પરંતુ હાલના વર્ષોમાં આ રોગ ત્યાંથી અન્ય દેશોમાં ફેલાઇ રહ્યો છે. વર્ષ 2015માં તુર્કી અને ગ્રીસમાં આ રોગના કેસો સામે આવ્યા. ત્યારબાદના વર્ષમાં બાલ્કન અને કોકેશિયાન દેશો અને રશિયામાં આ રોગો તબાહી મચાવી. વર્ષમાં 2019માં બાંગ્લાદેશ પછી આ રોગ આખા એશિયામાં મહામારી તરીકે ફેલાઇ રહ્યો છે.

Back to top button