ઉત્તર ગુજરાતગુજરાત

લમ્પી વાયરસ : લમ્પીગ્રસ્ત ગાયોની સારવારમાં રચ્યા પચ્યા રહેતા પાલનપુરના ગૌ સેવક

Text To Speech

પાલનપુર : જેમને ગૌમાતાની સેવા કરવાના સંસ્કાર બાળપણમાંથી જ પિતા સોમાભાઈ મગનભાઇ પ્રજાપતિ દ્વારા વારસામાં મળ્યા છે. તેઓ મૂળ ડીસાના અને પાલનપુરમાં માર્બલના વ્યવસાય સાથે સંકળાયેલા પરેશભાઈ પ્રજાપતિ સતત ગૌ સેવા માટે રચ્યા પચ્યા રહ્યા છે. જ્યારથી બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસનો પગ પેસારો થયો અને ગાયો તેમાં પીડાઈને મૃત્યુ પામતી જોઈ ત્યારે પરેશભાઈનું હૃદય કંપી ઉઠ્યું હતું. તેમને ગાયો માટે પોતાની માર્બલની ફેક્ટરીના પાછળના ભાગે 25 હજાર ફૂટ જેટલી ખુલ્લી જગ્યામાં લમ્પી વાયરસથી પીડાતી ગાયોની સારવાર કરવાનું નક્કી કરી લીધું હતું. અને તેના માટે સ્પેશિયલ આઇસોલેસન વોર્ડ ઉભો કરી દીધો હતો.

આ આઇસોલેશન વોર્ડમાં હાલમાં ત્રણ વેટરનરી ડોક્ટર 24 કલાક ગાયોની સારવાર માટે કામગીરી કરી રહ્યા છે. આ ડોક્ટરોનો પગાર, રહેવાનો તેમજ જમવાનો તમામ ખર્ચ પરેશભાઈ પ્રજાપતિ ઉઠાવી રહ્યા છે. પરેશભાઈને અન્ય એક વેટરનરી ડોક્ટર રમેશભાઈ ઇલાસરીયાનો પણ સાથ મળ્યો છે. તેઓ અહીંયા આઈસોલેશન વોર્ડમાં ગાયોના આ રોગથી પીડાતી ગાયો માટે સલાહ સૂચન આપવા વિઝીટ કરતા રહ્યા છે.

લમ્પી વાયરસ-Humdekhengenews

શરૂઆતમાં સવાસો પશુઓને સારવાર માટે લવાયા

વરસાદના સમયમાં લમ્પી વાયરસ પશુઓમાં વકરી ગયો હતો. જેનાથી પીડાતી ગાય તેમ જ નંદી જેવા 125 પશુઓને અહીંના આઈસોલેશન વોર્ડમાં લાવીને તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરેશભાઈના જણાવ્યા મુજબ પશુઓને બોટલો તેમજ દવાની સારવાર કરીને બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 60 થી વધુ પશુઓને બચાવીને ટેટોડાની ગૌશાળામાં મોકલવામાં આવી છે.

લમ્પી વાયરસ-Humdekhengenews

આયુર્વેદિક લાડુ -રોટલા માટે લોકો આગળ આવ્યા. લમ્પી વાયરસમાં સપડાયેલા પશુઓને બચાવવા માટે આયુર્વેદિક ઉપચારો પણ કરવામાં આવી રહ્યા છે. પરેશભાઈ પ્રજાપતિએ શ્રી જય ગૌ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ બનાવેલા આઇસોલેસન વોર્ડમાં કરાતી પશુઓને સારવારમાં લક્ષ્મીપુરાથી કેટલાક લોકોએ આયુર્વેદિક લાડુ અને હળદરવાળા રોટલા જેવી સામગ્રીઓ મોકલી હતી. જે પશુઓને સારવાર સાથે ખવડાવવામાં આવે છે.

દાન લેવાનો સવિનય ઇનકાર

પરેશભાઈ પ્રજાપતિ સમગ્ર આઇસોલેશન વોર્ડમાં જેટલી ગાયો સારવાર લઈ રહી છે. તે તમામ ગાયોની દવા, ડોક્ટરોનો પગાર અને પશુઓને ઘાસચારોનો ખર્ચ પરેશભાઈ ઉઠાવી રહ્યા છે. જ્યારે દાન આપવા માટે આવતા દાતાઓ પાસેથી તેઓ દાન લેવાનો સવિનય અસ્વીકાર કરે છે. પરેશભાઈ પાસે બે એમ્બ્યુલન્સ છે. પાલનપુરમાં કોઈપણ વ્યક્તિ ફોન કરે તો ગૌ સેવા માટે એમ્બ્યુલન્સ સ્થળ ઉપર જઈને પીડાતી ગાયોને સારવાર માટે અહીંના આઇસોલેશન વોર્ડમાં લઈ આવે છે.

એક મુક ગૌસેવક પરેશભાઈ લમ્પીગ્રસ્ત ગાયોને ચોમાસામાં ખૂબ જ પીડા ભોગવવી પડી હતી. ચામડી ઉપર થતા ફોલ્લા ચોમાસા દરમિયાન ફૂટી જતા અનેક ગાયોને અસહ્ય વેદના સહન કરવી પડી હતી. પરેશભાઈ ને ત્યાં સતત દવાઓની સારવાર કરવામાં આવી રહી છે. આમ મુક ગૌસેવક પરેશભાઈ લમ્પીગ્રસ્ત ગાયોને વધુમાં વધુ કેમ બચાવી શકાય તેની સતત ચિંતા કરી રહ્યા છે.

Back to top button