સ્પોર્ટસ

LSG vs KKR: કેકેઆર IPL 2022 માંથી બહાર થવાની આરે, લખનૌ એ ગુજરાત પાસેથી નંબર 1 તાજ છીનવ્યો

Text To Speech

KL રાહુલની આગેવાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2022 ની 53મી મેચમાં શ્રેયસ ઐયરની કોલકાતા નાઈટ રાઈડર્સને 75 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ ક્વિન્ટન ડી કોકની અડધી સદીના આધારે કોલકાતા સામે 177 રનનો ટાર્ગેટ મુક્યો હતો. KKRની આખી ટીમ 14.3 ઓવરમાં 101 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. લખનૌ સુપર જાયન્ટ્સે જોરદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ પાસેથી નંબર 1નો તાજ છીનવી લીધો. લખનૌ 16 પોઈન્ટ અને ગુજરાત કરતા સારા નેટ રન રેટના આધારે ટોપ પર આવી ગઇ છે. આ સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સને આ 11મી મેચમાં 7મી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે શ્રેયસ અય્યરની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ જવાની અણી પર છે.

LSG vs KKR મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રેયસ અય્યરે પ્રથમ જ ઓવરમાં ફોર્મમાં રહેલા કેપ્ટન કેએલ રાહુલને રનઆઉટ કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. રાહુલ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ક્વિન્ટન ડી કોક (50) અને દીપક હુડ્ડાએ (41) બીજી વિકેટ માટે 71 રન જોડ્યા હતા. સારી શરૂઆત બાદ માર્કસ સ્ટોઇનિસ (28) અને જેસન હોલ્ડર (13)એ શાનદાર રીતે ઇનિંગ્સનો અંત કર્યો હતો. બંને બેટ્સમેનોએ મળીને 19મી ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન સ્ટોઇનિસ ત્રણ સિક્સર ફટકારીને આઉટ થયો હતો, જ્યારે હોલ્ડરે છેલ્લા બે બોલ પર બે બેક ટુ બેક સિક્સર ફટકારી હતી. લખનૌએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. રસેલને સૌથી વધુ બે વિકેટ મળી હતી.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત સારી રહી ન હતી. ઈન્દ્રજીત પહેલી જ ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. લખનૌએ શરૂઆતથી જ ચુસ્ત બોલિંગ કરી હતી. ચોથી ઓવરમાં તેણે કેપ્ટન શ્રેયસ અય્યરને અને 6ઠ્ઠી ઓવરમાં ફિન્ચને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ KKR આગળ વધી શક્યું ન હતું. આન્દ્રે રસેલે પાછળથી આવીને 19 બોલમાં 45 રનની તોફાની ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો. લખનૌ તરફથી અવેશ ખાન અને જેસન હોલ્ડરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

Back to top button