10 મે લખનૌ: જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલનું ભાવિ અધરમાં લટકી રહ્યું છે. લખનૌની ટીમ આમ તો હજી પણ IPL 2024ના પ્લેઓફ્સની રેસમાંથી ટેક્નિકલી બહાર નથી થયું, તેમ છતાં બે દિવસ અગાઉની એક ઘટનાએ સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે.
8મેના દિવસે હૈદરાબાદમાં રમાયેલી મેચમાં લખનૌની ટીમે આપેલો સારો એવો ટાર્ગેટ સન રાઈઝર્સ હૈદરાબાદની ટીમ ફક્ત 9.4 ઓવર્સમાં ચેઝ કરી ગઈ હતી. મેચ બાદ લાઈવ ટીવી પર લખનૌની ટીમના માલિક સંજીવ ગોયેન્કા રાહુલને રીતસર ખખડાવતા હોય તેવાં દ્રશ્યો સામે આવ્યા હતા. જો કે સોશિયલ મીડિયા તેમજ પૂર્વ ક્રિકેટરોએ ગોયેન્કાના આ વર્તનની આકરી ટીકા પણ કરી હતી.
પરંતુ મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે કે ફક્ત હૈદરાબાદ સામેની શરમજનક હાર જ રાહુલને કાઢી મુકવા માટે જવાબદાર નથી. આ વર્ષે કેએલ રાહુલની બેટિંગમાં પણ બિલકુલ ધાર જોવા નથી મળી. સામાન્ય રીતે T20 મેચોમાં ઓપનીંગ બેટ્સમેને શક્ય હોય એટલી ફાસ્ટ શરૂઆત ટીમને આપવાની હોય છે, પરંતુ રાહુલ તેમ કરવામાં નિષ્ફળ રહ્યો છે.
ભલે પછી તે માટેનું કારણ સામે રમી રહેલા લખનૌના બેટ્સમેનોની નિષ્ફળતા કેમ ન હોય? આ વર્ષે IPLની મોટાભાગની ટીમો ખાસ કરીને હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનરોએ અત્યંત ઝડપી બેટિંગ કરીને એક નવો જ બેંચમાર્ક ઉભો કર્યો છે. એવામાં રાહુલની ધીમી અને દિશાહીન બેટિંગથી તેની ટીમના માલિકો ખુશ ન હોય તે શક્ય છે.
કેએલ રાહુલ માટે આમ પણ આ IPL ઘણી મહત્વની હતી કારણકે તેના ઉપરથી જ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનાર T20 વર્લ્ડ કપની ભારતીય ટીમ પસંદ થવાની હતી. રાહુલની ધીમી બેટિંગે તેને વર્લ્ડ કપની ટીકીટ પણ નથી અપાવી.
હૈદરાબાદ સામેની મેચ બાદ જે રીતે ટીમ માલિકનું વર્તન હતું અને તે પણ જાહેરમાં તેનાથી કેએલ રાહુલનું આત્મસન્માનને પણ ઘવાયું હશે જ. આવામાં તે પોતે જ આવતે વર્ષે ટીમ છોડી દે તે શક્ય છે. પરંતુ તે લખનૌની બાકીની મેચોની કપ્તાની નહીં કરે એ વાત કોઈની સમજમાં નથી આવતી.
કારણકે લખનૌ હજી પણ પ્લેઓફ્સ માટે ક્વોલીફાય થઇ શકે છે. આથી ટીમને રાહુલ જેવા અનુભવી કેપ્ટનની જરૂર પડશે જ. અત્યારે જો તેઓ રાહુલને કપ્તાનીમાંથી હટાવી દેશે તો કદાચ તેમનું કિનારે આવેલું વહાણ ડૂબી જઈ શકે છે.