નારીશક્તિ વંદન અધિનિયમ લોકસભામાં 454 મતે પસાર
લોકસભા તથા રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની જોગવાઈ કરતો 128મો બંધારણીય સુધારણા ખરડો – નારીશક્તિ વંદન અધિનિયમ આજે 20 સપ્ટેમ્બર, 2023ને બુધવારે લોકસભામાં બહુમતીથી પસાર થયો હતો. ખરડો 454 મતે પસાર થયો. આમ આ ખરડો બે તૃતિયાંશ બહુમતીથી પસાર થયો છે.
આ અગાઉ આજે સવારે આ ઐતિહાસિક ખરડા ઉપર ચર્ચા શરૂ થઈ હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધીએ મહિલા અનામતનો વિચાર મૂળભૂત રીતે કોંગ્રેસનો હોવાનું જણાવી તથા સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારે તે દાખલ કર્યો હતો તેમ જણાવી મહિલા અનામતના મહત્ત્વ વિશે ચર્ચા કરી હતી અને ખરડાને કોંગ્રેસનું સમર્થન હોવાનું જણાવ્યું હતું.
સોનિયા ગાંધી ઉપરાંત કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સહિત વિવિધ રાજકીય પક્ષોની મહિલા સાંસદો તેમજ પુરુષ સાંસદોએ પણ આ ખરડા અંગે વિચાર વ્યક્ત કર્યા હતા.
લોકસભામાં આખો દિવસ આ ખરડા ઉપર ચર્ચા ચાલી હતી, તે ઉપરાંત સંસદની બહાર પણ બસપનાં વડાં માયાવતી સહિત અગ્રણી રાજકારણીઓ અને ફિલ્મ તેમજ રમત ક્ષેત્રની મહિલા અગ્રણીઓએ આજે નવા સંસદભવનની મુલાકાત દરમિયાન નારી શક્તિ વંદન ખરડા અંગે વિચાર વ્યક્ત કર્યા હતા.
BSP ચીફ માયાવતીએ તેમના પ્રતિભાવમાં કહ્યું હતું કે, “અમારી પાર્ટી સરકારને અપીલ કરે છે કે તેઓ આ બે જોગવાઈઓને બાકાત રાખે અથવા એવો રસ્તો કાઢે જેનાથી મહિલાઓને ઝડપથી આરક્ષણ મળે. આ સાથે, હું ફરી સરકારને અપીલ કરું છું કે SC, ST. અને ઓબીસી મહિલાઓને આ બિલમાં મહિલાઓને આપવામાં આવેલી 33% અનામતમાં પહેલાથી આપવામાં આવેલી અનામત સિવાય અન્ય અનામત મળે છે. જો સરકાર આ અપીલો સાથે સહમત ન થાય તો અમારો પક્ષ પણ આ બિલને સમર્થન આપે છે.”
સમાજવાદી પક્ષનાં સાસંદ ડિમ્પલ યાદવ કહ્યું હતું કે, “સરકારને દશ વર્ષ પુરા થવા જઈ રહ્યા છે ત્યારે કેમ મહિલાઓની યાદ આવી છે? આવતી ચૂંટણીમાં આ મહિલા આરક્ષણ બિલ લાગુ કરી શકાશે કે નહીં? વસ્તી ગણતરી ક્યારે થશે? અને તેમાં જાતી આધારે વસ્તી ગણતરી થશે કે નહિ? સીમાંકન ક્યારે થશે અને તેના આધારે મહિલાઓને આરક્ષણ મળશે? જેમાં SC/ST,OBC મહિલાઓને પણ આરક્ષણ મળે”.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ખરડા વિશે બોલતા કહ્યું હતું કે, “ખરેખર મહિલાઓને સશક્ત બનાવવાનો હેતુ ધરાવતા તમામ પક્ષોએ આ બિલને સમર્થન આપવું જોઈએ.”
ભારતીય એથ્લેટ અંજુ બોબી જ્યોર્જે નારી શક્તિ વંદન અધિનિયમ અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ભારતની એક મહિલા તરીકે, આ ક્ષણની સાક્ષી બનવું એ મારા માટે જીવનમાં મળેલી એક મહત્ત્વની તક છે, અને આવા મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા શરૂ કરવા બદલ હું PM મોદીની આભારી છું.”
સીપીએમના નેતા બ્રિન્દા કરાતે જણાવ્યું હતું, “2014ની ચૂંટણી પહેલા, ભાજપે મહિલા અનામત બિલનું વચન આપ્યું હતું. જો કે, પ્રથમ કાર્યકાળ દરમિયાન, બિલના કોઈ સંકેતો નહોતા. તેના બદલે, તેઓએ ખેડૂત વિરોધી બિલ રજૂ કર્યા. હવે, તેઓ આ ખરડાને તેમના અંત તરફ લાવ્યા છે. મુદત કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે. બે ખૂબ જ સંબંધિત કલમો છે – એક વસ્તી ગણતરી સાથે સંબંધિત છે, અને બીજી સીમાંકન સાથે સંબંધિત છે,”
આ પણ વાચો : મહિલા અનામત બિલ પર વિપક્ષી નેતાઓની થશે બેઠક, સોનિયા ગાંધી કરશે ચર્ચા