LPG સિલિન્ડર થયો સસ્તો: 19 રૂપિયાનો થયો ઘટાડો, જાણો હવે શું છે કિંમત?
- ચૂંટણી વચ્ચે આ નિર્ણયથી કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા લોકોને મળી રાહત
નવી દિલ્હી, 1 મે: નવા મહિનાની શરૂઆતમાં જ ખુશખબર બહાર આવી છે. ઓઈલ કંપનીઓએ આજે બુધવારે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં આજથી 19 રૂપિયા સસ્તો કરવામાં આવ્યો છે. જેથી આજથી રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1,745.50 રૂપિયા થઈ છે. ચૂંટણી વચ્ચે આ નિર્ણય લઈને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા લોકોને રાહત આપી છે.
દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી વચ્ચે ઓઈલ કંપનીઓએ લોકોને રાહત આપી છે. જેના કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી એટલે કે 1 મે, 2024થી દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એલપીજી ગેસ સિલિન્ડર 1698.50ના દરે મળશે. જ્યારે કોલકાતામાં તે 1859 રૂપિયાના દરે અને ચેન્નાઈમાં તે 1911 રૂપિયાના દરે મળશે.
એપ્રિલમાં પણ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો
નવા નાણાકીય વર્ષમાં અગાઉ એપ્રિલ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 એપ્રિલે ઓઈલ કંપનીઓએ 19 કિલોના વપરાશકારોને રાહત આપતા સિલિન્ડરની કિંમતમાં 30.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય ઘણી જગ્યાએ થાય છે. સામાન્ય ઘરોમાં 19 કિલોના સિલિન્ડરને બદલે 14.2 કિલોના સિલિન્ડરનો ઉપયોગ થાય છે. તેની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
સામાન્ય અથવા ઘરેલુ સિલિન્ડરની વાત કરવામાં આવે તો તેની કિંમત હજુ પણ સ્થિર છે. છેલ્લી વખત મહિલા દિવસના અવસર પર ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં ઘરેલુ સિલિન્ડરની વર્તમાન કિંમત 803 રૂપિયા છે. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ સિલિન્ડર 603 રૂપિયામાં ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ, લાભાર્થીને એક વર્ષમાં 12 સિલિન્ડર મળે છે. જેનો તે લાભ લઈ શકે છે.
આ પણ જુઓ: ખેડૂતો માટે સારા સમાચાર, સફેદ ડુંગળી પર નિકાસ પ્રતિબંધ હળવો કરાયો