સ્પોર્ટસ

બિગ બેશ લીગમાં નોંધાયો T20 ટૂર્નામેન્ટનો સૌથી લો સ્કોર, જાણો કઈ ટીમે કેટલા રન કર્યા

Text To Speech

બિગ બેશ લીગ T20 ટૂર્નામેન્ટ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહી છે. અહીં શુક્રવારે સિડની થંડર અને એડિલેડ સ્ટ્રાઈકર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં સિડની થંડર્સના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. સિડનીની ટીમ માત્ર 15 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ T20 ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર છે. સિડનીની ટીમને 5.5 ઓવર એટલે કે માત્ર 35 બોલમાં જ સમેટવામાં આવી હતી.

એડિલેડ સ્ટ્રાઈકર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી

બીગ બેશ T20 મેચમાં એડિલેડ સ્ટ્રાઈકર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. જેમાં ક્રિસ લીને 27 બોલમાં 36 અને કોલિન ડી ગ્રાન્ડહોમે 24 બોલમાં 33 રન બનાવ્યા હતા. આ સિવાય મેથ્યુ શોર્ટ (9), વેધરલ્ડ (10), એડમ હોસ (4), થોમસ કેલી (13), હેરી નીલ્સન (13), રાશિદ ખાન (9), વેસ અગર (1) આઉટ થયા હતા. થોર્ન્ટન (3) અને કેપ્ટન પીટર સિડલ (0) અણનમ પેવેલિયન પરત ફર્યા હતા.  સિડની તરફથી ફઝલહક ફારૂકીએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે કે, ગુરિન્દર સંધુ, ડેનિયલ સાયમ્સ અને બ્રાન્ડોન ડોગેટને બે-બે વિકેટ મળી હતી.

સિડની થંડર્સના ચાર ખેલાડીઓ તો ખાતું પણ ન ખોલાવી શક્યા

જવાબમાં સિડનીની ટીમ 5.5 ઓવરમાં 15 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમના ચાર ખેલાડીઓ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. જેમાં એલેક્સ હેલ્સ, મેથ્યુ ગિલકેસ, કેપ્ટન જેસન સાંઘા, ક્રિસ ગ્રીન અને ગુરિન્દર સંધુનો સમાવેશ થાય છે. રિલે રૂસો ત્રણ રન, એલેક્સ રોસ બે રન, સેમ્સ એક રન, ઓલિવર ડેવિસ એક રન, ડોગેટ ચાર રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે કે ફારૂકી એક રન બનાવીને અણનમ રહ્યો હતો. એડિલેડ તરફથી થોર્ન્ટને પાંચ વિકેટ લીધી હતી. આ સાથે જ વેસ અગરને ચાર વિકેટ મળી હતી. શોર્ટને એક વિકેટ મળી હતી.

અગાઉ આ રેકોર્ડ તુર્કીના નામે હતો

T20 ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરની વાત કરીએ તો તે હવે સિડની થંડરના નામે છે. આ પહેલા આ રેકોર્ડ તુર્કીના નામે હતો. તેણે ચેક રિપબ્લિક સામે 21 રન બનાવ્યા હતા. આ સાથે જ લેસોથોએ યુગાન્ડા સામે 26 રન બનાવ્યા હતા. તે યાદીમાં ત્રીજા નંબરે છે.  તુર્કીએ લક્ઝમબર્ગ સામે 28 રન બનાવ્યા જે યાદીમાં ચોથા નંબર પર છે. આ બિગ બેશ લીગનો સૌથી ઓછો કુલ સ્કોર પણ છે. આ પહેલા આ રેકોર્ડ મેલબોર્ન રેનેગેડ્સના નામે હતો. તેણે 57 રન બનાવ્યા હતા.

Back to top button