અમદાવાદ, 6 માર્ચ 2024, શહેરમાં તાજેતરમાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનાની તપાસમાં મહિલા કર્મીએ તેના પ્રેમીના ત્રાસથી આપઘાત કર્યો હોવાની માહિતી પોલીસને જાણવા મળી હતી. પોલીસે પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારે હવે આ પ્રેમીએ જ અમદાવાદના પાલડીની એક હોટેલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આ મુદ્દે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે જસવંત નામના પ્રેમી સામે ગુનો નોંધ્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં એલઆરડી તરીકે ફરજ બજાવતા લલિતા પરમારે થોડા દિવસો પહેલાં વાસણા ખોડિયારનગર ખાતે તેમના ઘરમાં ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. ત્યાર બાદ આ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. મહિલા પોલીસકર્મી લલિતા પરમારે એક ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, ગામમાં રહેતા જસંવત નામનો પ્રેમી સતત વીડિયો કોલ અને ફોન કરીને અન્ય કોઈ સાથે વાત નહીં કરવા માટે સતત ધમકી આપતો હતો. પ્રેમી નોકરી છોડવા માટે પણ દબાણ કરતો હતો. ત્યાર બાદ પોલીસે જસવંત નામના પ્રેમી સામે ગુનો નોંધ્યો હતો.
હોટેલમાં જશવંત પંખે લટકેલી હાલતમાં હતો
પોલીસે તપાસ શરૂ કરી તે દરમિયાન જ જશવંત અમદાવાદમાં પાલડી ખાતેની સરગમ હોટેલ ખાતે રોકાયો હતો અને બીજા દિવસે જશવંતે હોટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે એલીસબ્રીજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.સરગમ હોટેલના માલિક મહિપાલસિંહે પોલીસને જણાવ્યું હતું કે, 4 માર્ચે જશવંત હોટેલમાં આવ્યો હતો. આધાર કાર્ડના આધારે હોટેલમાં રૂમ આપ્યો હતો. 5 માર્ચે જશવંતનો ફોન ના લાગતા અમે ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલ્યો ત્યારે જશવંત પંખે લટકેલી હાલતમાં હતો. જેથી અમે પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચોઃઅમદાવાદના વાસણામાં યુવાન મહિલા પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું