પ્રેમપ્રકરણ બન્યું કાનૂની જંગ! યુવતીનો શારીરિક શોષણનો આક્ષેપ, યુવકના પરિવારની પણ ફરિયાદ

Love affair turns into legal battle! : ભાવનગર શહેરમાં પ્રેમસંબંધને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામો સર્જાતા ભારે ચકચાર મચી ગઈ છે. યુવક અને યુવતી વચ્ચેના સંબંધ મામલે બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા મામલો વધુ ગરમાયો છે. એક તરફ યુવતીએ યુવક પર લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ મારામારી અને જ્ઞાતિ આધારિત અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ યુવકના પરિવારે યુવતી અને તેની બહેન સામે ઘરમાં ઘૂસી ઝઘડો અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
યુવકની બહેન પ્રાપ્તિબેન ગોહિલે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ કાળિયાબીડ વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાને હતા ત્યારે પાયલ ઉર્ફે પૂર્વી ચાવડા અને તેની બહેન અર્ચી ચાવડા ફ્લેટના પાર્કિંગમાં આવી પહોંચી હતી. બંનેએ પરિવારના સભ્યોને અપશબ્દો બોલ્યા હતા અને વિરાજ સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHm
પરિવારજનોના કહેવા મુજબ, યુવતીઓએ વિરાજની માતા અને બહેન સાથે ઝપાઝપી કરી હતી તેમજ ધક્કામુક્કી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે યુવતીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે વિરાજ ઝાલાએ ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કરી હતી અને લગ્ન કરવાની વાત કહી અલગ-અલગ હોટેલોમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં યુવકે લગ્ન કરવાની ના પાડતા તે તેના ઘરે પહોંચી હતી, જ્યાં તેની સાથે દુર્વ્યવહાર અને જ્ઞાતિ આધારિત અપમાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
યુવતીની ફરિયાદના આધારે પોલીસે એટ્રોસિટી એક્ટ સહિત BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. નિલમબાગ પોલીસના જણાવ્યા મુજબ, બંને પક્ષની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તટસ્થ તપાસ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : ‘લાલો’ ફિલ્મના અભિનેતા કરણ જોશી વિવાદમાં: અભિનેત્રીએ લગાવ્યા ગંભીર આક્ષેપ












