અમદાવાદગુજરાત

અમદાવાદમાં પ્રેમસબંધનો શક રાખીને છોકરીના પરિવારે યુવકને છરીના ઘા મારીને રહેંસી નાંખ્યો

અમદાવાદઃ શહેરમાં હત્યાના ગુનાઓ બેફામ પણે વધી રહ્યાં છે. પ્રેમ સંબંધની અદાવત રાખીને છોકરીના પરિવારજનોએ યુવકને પહેલાં ઢોર માર માર્યો હતો અને બાદમાં શરીર પર છરીના ઘા મારતાં તે લોહી લુહાણ થઈ ગયો હતો. ગંભીર રીતે ઈજા પામેલા યુવકને તેના પરિવારજનો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયાં હતાં. જ્યાં તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતક યુવકના ભાઈએ સરખેજ પોલીસ સ્ટશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમારી છોકરીને ફોન કરીને કેમ હેરાન કરે છે કહી લાફો માર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ચિરાગ ઠાકોર સરખેજ ગામમાં રહે છે અને શો રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. ઘરમાં તેઓ ચાર ભાઈ બહેન છે અને તેના પિતા સાતેક વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યાં હતાં. તેનો ભાઈ મિલન છુટક મજૂરી કામ કરતો હતો તેના લગ્ન થયા નહોતા. ગઈ કાલે રાત્રે દસેક વાગ્યાની આસપાસ ઘરે આવેલા ચિરાગને તેના ભાઈ મિલને કહ્યું હતું કે, સરખેજ વાલ્મિકીવાસમાં રહેતા નિતીન સીંગરોટીયાની બહેનને હું હેરાન કરતો નથી તેમ છતા આજે મને તેણે મારી બહેનને કેમ હેરાન કરે છે કહીને લાફો માર્યો હતો.

છોકરીના પરિવારજનોએ મિલનને શરીર પર છરીના ઘા માર્યા
ત્યાર બાદ ચિરાગ તેના મિત્ર વિક્રમ ઠાકોરના ઘરે બેસવા માટે ગયો હતો અને ત્યાર બાદ બંને જણા પાનના ગલ્લા ખાતે ઉભા હતા. આ દરમિયાન વાલ્મીકી વાસની ગલીમાં કોઈના ઝઘડવાનો બુમાબુમનો અવાજ આવતા ચિરાગ તથા તેનો મિત્ર વિક્રમ ઠાકોરએ ત્યા જઈને જોયુ તો નિતીન સીંગરોટીયા તથા તેના પિતા નરેન્દ્રભાઇ, તેનો નાનો ભાઇ સુર્મિતતથા તેની માતા તારાબેન ચિરાગના ભાઈ મિલન ઠાકોરની સાથે બોલા ચાલી કરી ઝઘડો કરતા હતા અને ત્યાં મિલન દિવાલને અડીને નીચે લોહી લુહાણ હાલતમાં જમીન પડ્યો હતો. છોકરીના પરિવારજનોએ મિલનને શરીર પર છરીના ઘા માર્યા હતાં.

સરખેજ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ
આ જોતા જ ચિરાગે તેના ભાઈ મિલનને છોડાવ્યો હતો અને આસપાસના લોકો ભેગા થઈ જતાં છોકરીના પરિવારજનો મિલનને મારીને ત્યાંથી ભાગી ગયાં હતાં. મિલનના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહી લુહાણ હાલતમાં હોવાથી તેને સારવાર માટે સરખેજની નવજીવન હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. આ હોસ્પિટલમાંથી તેને સોલા સિવિલમાં લઈ જવાનું કહેતાં મિલનને લઈને તેનો ભાઈ સોલા સિવિલ પહોંચ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ સારવાર દરમિયાન મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ ચિરાગે તેના ભાઈની હત્યાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ચીનમાં ફેલાયેલી ભેદી બીમારીથી ગુજરાત સરકાર એલર્ટ, કેન્દ્રની સૂચના મળતાં જ છૂટ્યો આદેશ

Back to top button