ટ્રાવેલટ્રેન્ડિંગ

એડવેન્ચરના શોખીન છો? તો આ રહ્યું ભારતનું પ્રથમ ‘ગ્લાસ સ્કાયવોક’, બનાવીલો ફરવાનો પ્લાન

સિક્કિમ, 31 મે: વિદેશોમાં તમે ઘણી વખત જોરદાર સ્કાયવોક કરતા લોકોને જોયા હશે. કાચના પુલ પર ચાલવું જેટલું સુંદર હોય છે તેના કરતાં વધુ રોમાંચક હોય છે. જો તમે પણ આ રોમાંચક ક્ષણને જીવવા માંગતા હોવ તો તમારે હવે વિદેશ જવાની જરૂર નથી. આ માટે તમારે કોઈ પાસપોર્ટ કે વિઝાની જરૂર નહીં પડે, કારણ કે હવે ભારતમાં પ્રથમ ગ્લાસ સ્કાયવોક સિક્કિમમાં બનાવવામાં આવ્યું છે. સિક્કિમની રાજધાની ગંગટોક નજીક પેલિંગમાં અદભૂત ગ્લાસ સ્કાયવોક બનાવવામાં આવ્યું છે. આ ટૂરિસ્ટ પ્લેસ લોકોમાં ખૂબ પ્રખ્યાત છે. તમારે પણ અહીં એક વાર અવશ્ય ફરવા માટે જવું જોઈએ.

ભારતમાં ગ્લાસ સ્કાયવોક ક્યાં છે?

સમુદ્ર સપાટીથી લગભગ 7200 ફૂટની ઉંચાઈ પર સ્થિત પેલિંગ ગ્લાસ સ્કાયવોક સિક્કિમના પેલિંગ નગરથી લગભગ 3 કિમી દૂર છે. પેલિંગ એક સુંદર હિલ સ્ટેશન છે જે કંચનજંગા પર્વતની તળેટીમાં આવેલું છે. સ્કાયવોક ચેનરેઝિગ પ્રતિમાની સામે બનાવવામાં આવ્યો છે, જે ઉત્તર પૂર્વમાં 137 ફૂટની ઊંચાઈએ ચોથી સૌથી ઊંચી પ્રતિમા છે.

સ્કાયવોકમાં એવું તો શું ખાસ હોય છે?

કાચના પુલ પર ચાલવું એ એક ખુબજ મજાનો સમય હોય છે. આ સ્કાયવોક કરતા સમયે તમને એવું લાગે છે કે જાણે તમે હવામાં ચાલી રહ્યા છો. ગ્લાસ સ્કાયવોક ચેનરેઝિગ પ્રતિમા અને તેની તરફ જતી સીડીઓનું અદભૂત દૃશ્ય પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યું છે. તેની આસપાસ સોનેરી પ્રાર્થના પૈડાં છે. સ્કાયવોક ઉંચાઈ પર હોવાને કારણે અહીં ચાલવું રોમાંચક બની જાય છે. તમે અહીંથી ખુલ્લા આકાશમાં સરળતાથી હિમાલય જોઈ શકો છો. અહીંથી નીચે જોતાં પ્રાચીન નદીઓ તિસ્તા અને રંગીત પણ દેખાય છે.

પેલિંગ સ્કાયવોક કેવી રીતે પહોંચવું?

ચેનરેઝિગ સ્કાયવોક પેલિંગથી 6-7 કિલોમીટર દૂર છે. અહીં બસ સેવા ઓછી છે પરંતુ ટેક્સી સરળતાથી મળી જાય છે. જો તમે ટ્રેકિંગના શોખીન છો તો તમે પેલિંગથી સ્કાયવોક સુધી ચઢી શકો છો. પેલિંગ ગંગટોકથી લગભગ 113 કિલોમીટર દૂર છે. તેનું સૌથી નજીકનું એરપોર્ટ બાગડોગરા છે.

સ્કાયવોકનો સમય અને ટિકિટ શું હોય છે?

સ્કાયવોક દરરોજ પ્રવાસીઓ માટે ખુલ્લો જ હોય છે. તમે સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી અહીં હરી-ફરી શકો છો. અહીં સ્થાનિકો માટે ટિકિટ ઓછી છે, પરંતુ અન્ય પ્રવાસીઓએ લગભગ 50 રૂપિયાની એન્ટ્રી ટિકિટ ચૂકવવી પડે છે.

આ પણ વાંચો: સસ્તામાં કરી લો કેરળની સફર, પાંચ દિવસનું છે IRCTCનું આ પેકેજ

Back to top button