સિદ્ધપુર APMCમાં કપાસની હરાજી પહેલાં જ ખેડૂતોને નુકસાન, 500 મણ કપાસ બળીને ખાખ
સિદ્ધપુર, 14 ડિસેમ્બર 2023, ગુજરાતમાં ખેતરમાં ઉભો પાક માવઠાથી અથવા તો પિયતના પાણી નહીં મળવાને કારણે નુકસાન પામતો હોય છે. પરંતુ તૈયાર થયેલો પાક જ્યારે માર્કેટિંગ યાર્ડમાં જાય ત્યારે એક અકસ્માતને કારણે નુકસાન પામે એવી ઘટના સિદ્ધપુર APMCમાં બની છે. આજે સવારે સિદ્ધપુર APMCમાં એક ખેડૂતનું કપાસ ભરેલુ ટ્રેક્ટર વજન કાંટાએ ગયું હતું. આ દરમિયાન વીજ પુરવઠાનો વાયર ઉપરથી છુટો થઈને સીધો ટ્રેક્ટરમાં ભરેલા કપાસ પર પડતાં તણખો ઉત્પન્ન થયો હતો. કપાસને બચાવવા માટે ટ્રેક્ટર ખાલી કરતાં 500 મણ કપાસ ના ઢગલામા આગ ભભૂકી ઉઠી હતી.
500 મણ કપાસ બળીને ખાખ થઈ ગયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સિદ્ધપુર માર્કેટયાર્ડમા પ્લોટ નંબર 40 ભુપતભાઈ પચાણભાઈ ચૌધરી તેમજ બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ત્રણ થી ચાર ખેડૂત વેપારીઓનો કપાસનો માલ હરાજીમા મુકવામા આવ્યો હતો. ત્યારે આ કપાસ ટ્રેક્ટરમાં ભરીને વજન કાંટે વજન કરાવવા માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં વજનકાંટાની ઉપર રહેલો વીજતાર છુટો પડી જતાં અચાનક ટ્રેક્ટરમાં રહેલા કપાસ પર પડ્યો હતો અને તેમાં સહેજ તણખો થયો હતો. ત્યાર બાદ ટ્રેક્ટરને બાજુમાં લઈ જઈને ખાલી કરવામાં આવ્યું હતું પણ જોત જોતામાં 500 મણ કપાસ બળીને ખાખ થઈ ગયો હતો.
કપાસની હરાજી થાય તે પહેલાં ખેડુતોને નુકસાન
માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી થાય તે પહેલાં જ આગ લાગતા ખેડુતોને નુકસાન થયું હતું. વેપારીઓએ વળતર ચૂકવવાની પણ માંગ કરી હતી. આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આગ લગતાં જ લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા.પોલીસે આવીને ટોળાને વિખેરીને આગ કયા કારણે લાગી તેની તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યાત્રાધામ સુવિધાનો વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય