અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા, જાણો ક્યારે છે?


- અનંત ચતુર્દશી અનંત ચૌદશના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની સાથે સાથે ભગવાન વિષ્ણુના અનંત રૂપની પણ પૂજા થાય છે. લક્ષ્મી પૂજન પણ આ દિવસે શ્રેષ્ઠ છે
HD ન્યુઝ ડેસ્કઃ અનંત ચતુર્દશીના દિવસે ગણેશોત્સવનો આખરી દિવસ કહેવાય છે. આ દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. આ દિવસ અનંત ચૌદસના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના અનંત રૂપની પણ પૂજા કરવામાં આવે છે.
ક્યારે શરૂ થશે ચતુર્દશી
16 સપ્ટેમ્બરે બપોરે 3.10 વાગ્યાથી ચતુર્દશી શરૂ થશે અને 17 સપ્ટેમ્બરે બપોરે 12.44 સુધી ચાલશે. આ દિવસે ભગવાન વિષ્ણુના અનંતરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે અનંત સૂત્ર પીળો દોરો બાંધવામાં આવે છે. તેમાં ચૌદ ગાંઠ હોય છે. તે ધન-ધાન્ય, સુખ-સંપદા અને સંતાનની કામના માટે કરવામાં આવે છે.
જાણો પૂજા વિધિ
આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરો. સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. ત્યારબાદ દેવી-દેવતાઓનો ગંગા જળથી અભિષેક કરો.જો શક્ય હોય તો આ દિવસે વ્રત રાખો. ગણેશ પૂજામાં સૌથી પહેલા ભગવાન ગણેશનું પ્રતીક સ્વસ્તિક બનાવવામાં આવે છે. ગણેશજી પ્રથમ પૂજનીય દેવ છે, તેથી પૂજાની શરૂઆતમાં સ્વસ્તિક બનાવવાની પરંપરા છે. ભગવાન ગણેશને ફૂલ ચઢાવો. ભગવાન ગણેશને દુર્વા પણ અર્પણ કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર દુર્વા ચઢાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. ગણેશજીને સિંદૂર ચઢાવો અને તેમનું ધ્યાન કરો. ભગવાન વિષ્ણુને ફૂલ અને તુલસીના પાન ચઢાવો.
ભોગ ધરાવતા રાખો ધ્યાન
ભગવાન ગણેશની સાથે અને ભગવાન વિષ્ણુને પણ પ્રસાદ ચઢાવો. તમે ભગવાન ગણેશને મોદક અથવા લાડુ પણ અર્પણ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓનો જ ભોગ ધરાવવો. ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસીનો સમાવેશ અવશ્ય કરો. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ તુલસી વિનાનું ભોજન સ્વીકારતા નથી. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે શક્ય એટલું ભગવાનનું ધ્યાન કરો.