આ દિવસે ભગવાન વિષ્ણુ અને શિવની થાય છે સાથે ઉપાસના, જાણો વૈકુંઠ ચતુર્દશી વિશે
- આખા વર્ષમાં એકમાત્ર દિવસ એવો છે જ્યારે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની એકસાથે આરાધના કરવાનું મહત્ત્વ છે અને તે છે વૈકુંઠ ચતુર્દશી
HD ન્યુઝ ડેસ્કઃ સનાતન ધર્મમાં વૈકુંઠ ચતુર્દશીને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને ભોલેનાથની પૂજા કરવાની પરંપરા છે. આખા વર્ષમાં આ એકમાત્ર દિવસ છે જ્યારે ભોલેનાથ અને વિષ્ણુ ભગવાનની એક સાથે પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈકુંઠ ચતુર્દશીની વિધિ પ્રમાણે પૂજા કરવાથી સાધકને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ જીવતેજીવ પણ વ્યક્તિના જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
વૈકુંઠ ચતુર્દશી 2024
પંચાગ મુજબ, કારતક માસના શુક્લ પક્ષની ચૌદશે વૈકુંઠ ચતુર્દશી ઉજવવામાં આવે છે. આ વર્ષે ચતુર્દશી ગુરુવાર, 14 નવેમ્બર 2024ના રોજ સવારે 9:43 થી શુક્રવાર, 15 નવેમ્બર 2024ના રોજ સવારે 6:19 સુધી રહેશે. નિશિત કાળને ધ્યાનમાં રાખીને 14મી નવેમ્બરે વૈકુંઠ ચતુર્દશી ઉજવવામાં આવશે.
વૈકુંઠ ચતુર્દશી પૂજાનું શુભ મુહૂર્ત
વૈકુંઠ ચતુર્દશીના દિવસે નિશિતકાળમાં વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુ અને મહાકાલ ભોલેનાથની પૂજા કરવી શુભ છે. આ દિવસે નિશિત કાલનો સમય બપોરે 11:39 થી 12:32 સુધીનો રહેશે. આ શુભ સમય દરમિયાન વિષ્ણુ અને શિવની પૂજા કરવાથી શુભ ફળ મળે છે.
વૈકુંઠ ચતુર્દશી 2024 પૂજાવિધિ
- સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો. ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરો.
- હવે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની સામે બેસીને વ્રતનો સંકલ્પ લો.
- હવે ભગવાનની સામે ઘીનો દીવો પ્રગટાવો.
- ભગવાન વિષ્ણુને અને ભગવાન શિવને ફૂલ અર્પણ કરો.
- ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરો અને કથાનો પાઠ કરો.
- અંતમાં આરતી કરો અને પૂજામાં થયેલી ભૂલ માટે ભગવાન પાસે ક્ષમા માગો.
આ પણ વાંચોઃ ચંદ્ર અને ગુરૂ બનાવશે ગજકેસરી યોગ, ચાર રાશિઓના જીવન પર થશે અસર