ભગવાન શ્રી કૃષ્ણની ‘બેટ દ્વારકા’ની ‘વર્લ્ડ ક્લાસ’ સ્તરે થશે કાયાપલટ

- બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં કરાશે સુગ્રથિત વિકાસ: પ્રથમ તબક્કા માટે રૂ.૧૫૦ કરોડની ફાળવણી
- મુખ્ય મંદિરથી લઇને બીચ સુધીનો વિસ્તાર કરોડોના ખર્ચે વિકસાવાશે
- ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ દ્વારકાનો ‘નોર્થ-પદમ બીચ’ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
- આગામી સમયમાં ફેઝ -૨ અને ૩ અંતર્ગત યાત્રીક સુવિધામાં વધારો કરવા વિવીધ કામોનું આયોજન
- બેટ દ્વારકામાં ‘સુદર્શન સેતુ’ના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો
ગાંધીનગર, 21 ઓગસ્ટ, 2024: બેટ દ્વારકામાં ‘સુદર્શન સેતુ’ના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ જ રીતે તીર્થ સ્થળ તેમજ આસ્થાની સાથે પૌરાણિક મહાત્મ્ય ધરાવતી પ્રસિદ્ધ ભગવાન શ્રી કૃષ્ણની ‘બેટ દ્વારકા’ની વૈશ્વિક સ્તરે કાયાપલટ માટે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના સતત માર્ગદર્શનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ તબક્કામાં મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારોને ડેવલપ કરવામાં આવશે. આ આઈલેન્ડના પ્રથમ તબક્કા-ફેઝના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૫૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે,જેની ટેન્ડરિંગની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.આવનારા સમયમાં આ આઈલેન્ડના ફેઝ -૨ અને ૩ની ડેવલપમેન્ટની કામગીરી ચાલુ કરવામાં આવશે તેમ,ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં ગુજરાતમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો- ટૂરિસ્ટ ડેસ્ટિનેશનને કરોડોના ખર્ચે પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહ્યા છે.

પ્રવાસન નિગમની યાદી મુજબ બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ -૧માં દ્વારકાધીશજી મંદિર ડેવલપમેન્ટ, સ્ટ્રીટ બ્યુટિફિકેશન,હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ, નોર્થ બીચ ડેવલપમેન્ટ-પબ્લિક બીચ, ટૂરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર અને હિલ્લોક પાર્ક વીથ વ્યૂઈંગ ડેક બનાવવામાં આવશે.

ફેઝ -૨ અંતર્ગત થનાર વિકાસ કામો:
સાથેસાથે બેટ દ્વારકા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-૨ માં દાંડી હનુમાન મંદિર અને બીચ ડેવલપમેન્ટ, અભય માતા મંદિર અને સનસેટ પાર્ક,નેચર એન્ડ મરીન ઇન્ટરપ્રેશન સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, કમ્યુનિટી લેક ડેવલપમેન્ટ અને રોડ એન્ડ સાઈન બનાવવામાં આવશે.

ફેઝ -૩ અંતર્ગત થનાર વિકાસ કામોઃ
આ પછી બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ -૩ માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, કમ્યુનિટી લેક ડેવલપમેન્ટ અને લેક અરાઈવલ પ્લાઝા તૈયાર કરવામાં આવશે. બેટ દ્વારકા આવતા યાત્રિકો માટે ભવિષ્યમાં બીચથી મંદિર સુધી શટલ સર્વિસ, ઈવ્હીકલ, ડોલ્ફિન વ્યૂઈંગ માટે ફેરી સર્વિસ, ઓડિયો વિઝુઅલ પ્રદર્શન, સ્કિલ ડેવલપમેન્ટ અને ગાઈડ ટ્રેનિંગ વગરે ડેવલપ કરવામાં આવશે.
બેટ દ્વારકા આઈસલેન્ડ ડેવલપમેન્ટના ફેઝ -૧ના મુખ્ય આકર્ષણો:
મંદિર પરિસર અને તેની આજુબાજુના પ્રાંગણનો વિકાસ બેટ દ્વારકા ડેવલપમેન્ટના માસ્ટર પ્લાન મુજબ કરાશે. મંદિર પરિસરમાં યાત્રાળુઓ સરળતાથી પ્રવેશી શકે એ માટે ચાર દિશાઓમાં પ્રવેશ દ્વાર બનાવાશે. જેમાં સુદામા સેતુથી બેટ દ્વારકા ગામ તરફ આવતા રસ્તાને, દરિયાઈ માર્ગેથી મુખ્ય પ્રવેશ સુધીનો દ્વાર બનશે.
અહીં યાત્રાળુઓ માટે મંદિર સામગ્રીની ચીજ વસ્તુઓ, ખાણી-પીણીના સ્ટોલ, લોકલ આર્ટ અને ક્રાફ્ટને પ્રમોટ કરતી દુકાનો તથા જીવનજરૂરિયાત વસ્તુઓને લગતી દુકાનો બનાવામાં આવશે.અન્ય સુવિધાઓમાં મોબાઈલ અને પગરખાં મૂકવાની લોકર સુવિધા, પ્રસાદ વિતરણ કેન્દ્ર તથા કોમન ટોઈલેટ્સની સુવિધા ઊભી કરાશે. આ સાથે અત્યાધુનિક ફેસેલિટીવાળી ભોજનશાળા અને સભા, ભજન-કીર્તન કરવા માટે બે મલ્ટીપર્પઝ હોલ પણ બનાવાશે.
સૌથી મહત્ત્વનું કે, મંદિરમાં ભીડ ના થાય એ માટે ભાઈઓ અને બહેનોની દર્શન કરવાની લાઈન અલગ બનાવાશે તથા દિવ્યાંગોને કોઈ અગવડ ના પડે એ રીતે આ માસ્ટર પ્લાન ડિઝાઈન કરાયો છે. મંદિર પરિસરમાં યાત્રાળુઓને માહિતગાર કરતાં સાઈન બોર્ડ, પાણીની પરબ, કચરા પેટી અને બેસવા માટે બેન્ચની વ્યવસ્થા હશે. યાત્રાળુઓની યાત્રા યાદગાર બને તે માટે ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્રના ચિત્રો અથવા મૂર્તિનું પ્રદર્શનનું પણ પ્લાનિંગ કરાયું છે.

નોર્થ-પદમ બીચ:
બેટ દ્વારકાનો આ નોર્થ બીચ શિયાળાની ઋતુમાં ‘ડોલ્ફિન’ નિહાળવા માટે જાણીતો છે. અહીં અનોખો ‘પદમ’ નામનો શંખ મળે છે જેથી આ બીચને ‘પદમ બીચ’ પણ કહેવામાં છે. માસ્ટર પ્લાન મુજબ આ બીચ પર પાર્કિંગ, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમત-ગમતના સાધનો, બેસવાની સુવિધા અને ટોઈલેટ જેવી ફેસેલિટી ઊભી કરાશે. આ નોર્થ બીચ પર ટૂરિસ્ટો મનોરંજન અને સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો માણી શકશે.
ટૂરિસ્ટ વિઝિટર સેન્ટર
બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્લાન મુજબ અહીં ટૂરિસ્ટ વિઝિટર સેન્ટર હાલમાં સુદામા સેતુથી મંદિર પરિસર જતાં રસ્તામાં બનાવાશે. જેમાં મંદિરની ઐતિહાસિક માહિતી, બેટ દ્વારકામાં થતી વિવિધ પ્રવૃતિઓની માહિતી અપાશે,એટલું જ નહીં અહીં વેઇટિંગ એરિયા, ટોઈલેટ્સ, લોકર સુવિધા, ગુજરાતી ફૂડના ચટાકા માણવા માટે એક રેસ્ટોરાં અને હાટ બજાર બનાવાશે.

હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ
માસ્ટર પ્લાનમાં બેટ દ્વારકામાં ઘણા ઐતિહાસિક મંદિરોને જોડતી હેરિટેજ સ્ટ્રીટમાં મુખ્યત્વે દ્વારકાધીશ મંદિર, શંખનારાયણ મંદિર અને હનુમાન દાંડી મંદિરનો સમાવેશ કરાયો છે. આ મંદિરોને જોડતા રસ્તાઓને ‘હેરિટેજ’ થીમ પર ડેવલપ કરાશે. આ સ્ટ્રીટમાં ભીતચિત્રો, મ્યુરલ, ચબુતરા, લેન્ડસ્કેપિંગ, લાઈટ અને બેસવાની સુવિધાઓ ડેવલપ કરવામાં આવશે.

હિલ્લોક પાર્ક
અહીંથી યાત્રાળુઓ ‘સૂર્યોદય અને સૂર્યાસ્ત’નો નયનરમ્ય નજારો જોઈ શકશે માસ્ટર પ્લાન મુજબ આ સ્થળને ‘પબ્લિક પાર્ક’ તરીકે વિકસાવાશે. અહીંથી સુદામા સેતુનો નયનરમ્ય વ્યૂ જોવા મળશે. આ પાર્કમાં પણ ખાણીપીણીના સ્ટોલ, સ્પેશિયલ લેન્ડસ્કેપ, બોર્ડવોક, વોકવે અને કોમન ટોઈલેટ્સ જેવી સુવિધા ઊભી કરાશે.
આમ, રાજ્ય સરકારના પ્રયાસોથી ધાર્મિક અને પ્રવાસનના સુગમ સંયોગ થકી આ વિસ્તારમાં રોજગારીની વિપુલ તકો પણ ઉપલબ્ધ થશે સાથેસાથે સ્થાનિક ઉત્પાદનનો વધુને વધુ પ્રોત્સાહન પણ મળશે તેમ, પ્રવાસન નિગમ દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચોઃ જન્માષ્ટમી ક્યારે ઊજવાશે? જાણો પૂજાનું શુભ મુહૂર્ત અને પારણાનો સમય