તહેવારોની આ મોસમમાં ખરીદવું છે ઘરનું ઘર? આ સારી ઓફરનો મળી શકે છે લાભ..
જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ફેસ્ટિવ સીઝન તમારા માટે ખુશીઓથી ભરેલુ રહી શકે છે. રિયલ એસ્ટેટ કંપનીઓ ઘર ખરીદારોને લલચાવવા માટે જાતજાતની ઓફર લઇને આવી રહી છે. તેમાં ગોલ્ડથી લઇને કેશબેક, કારથી લઇને આઇફોન અને વિદેશ યાત્રા સુધી સામેલ છે. દિવાળી સુધી ચાલનારા ફેસ્ટિવ સીઝનમાં ડેવલપર ડિમાંડમાં તેજીની આશા રાખી રહ્યાં છે અને આકર્ષક ઓફર રજૂ કરી રહ્યાં છે. આવા સંજોગોમાં સમજદાર ખરીદારોને સારી ડીલ મળી શકે છે અને ફેસ્ટિવલ ઓફર્સ તમારા ડ્રીમ હોમને સસ્તુ બનાવી શકે છે.
ઘણાં ડેવલપર ઘરની સાથે ગોલ્ડ કોઇન, કાર કે બાઇક જેવી ગિફ્ટ ઓફર આપે છે. જો કે, મોટાભાગની ગિફ્ટની કિંમત, ઘરની કિંમતમાં ઉમેરીને જ વસૂલ કરી લેવામાં આવે છે. જો તમને તેની જરૂરિયાત નથી તો તેને લેવાના બદલે બિલ્ડરને ઘરની કિંમત ઘટાડવાની વાત કરો. ઉદાહરણ તરીકે જો તમારી પાસે બાઇક છે તો વધુ એક બાઇકનું કોઇ ઔચિત્ય નથી. આવામાં તમે ડેવલપરને રાજી કરો કે તે બાઇકની કિંમત જેટલી ઘરની કિંમત ઘટાડી દે.
ટાટા રિયલ્ટીની ઈટ્સ ઈન્ટરેસ્ટિંગ ઓફર
હાલમાં જ ટાટા સમૂહની કંપની ટાટા રિયલ્ટી ફેસ્ટિવ સીઝનની શરૂઆતમાં ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ નામથી એક ઓફર લઇને આવી હતી. તેમાં કંપની તરફથી ખરીદનારાઓને 12 મહિના સુધી વ્યાજ છૂટ આપવામાં આવી રહી હતી. કંપની પોતાના ગ્રાહકોનો નાણાકીય બોજ ઘટાડવા માટે 12 મહિના સુધી 3.5 ટકાથી ઉપરનું વ્યાજ જાતે ભરવાની ઓફર આપી રહી હતી. આ જ રીતે સ્પેજ કંપની પોતાના ગ્રાન્ડ સેન્ટ્રલ 114 પ્રોજેક્ટમાં ઘણી આકર્ષક ઓફર આપી રહી છે. તેમાં 20 ગ્રામ સોનાના સિક્કા, કપલ માટે હોલી-ડે વાઉચર, 1 લાખ રૂપિયા સુધીની મ્યુઝિક સિસ્ટમ, LED ટીવી, આઇફોન સહિત ઘણી ચીજો આપી રહી છે. સામાન્ય રીતે ડેવલપર અને બેંકની વચ્ચે પહેલેથી કરાર હોય છે અને તે પ્રોસેસિંગ ફી વગર હોમ લોન ઓફર કરે છે. આવી ડીલ પર હા કરતાં પહેલા ઓફરના વ્યાજ દરો ચેક કરી લેવા જોઇએ. બીજી બેંકો અને નાણાકીય સંસ્થાઓના હોમ લોનના વ્યાજ દરો પણ ધ્યાનમાં લેવા જોઇએ. વન ટાઇમ ચાર્જથી બચવા માટે વધારે વ્યાજ દરની ચુકવણી કરવામાં સમજદારી નથી. ઇન્ટરેસ્ટ રેટ કેટલાક બેઝિસ પોઇન્ટ વધારે હોવાનો અર્થ એ છે કે લોનનો ટેન્યોર પૂર્ણ થવા સુધી ઉંચા દરો પર પૈસા ભરવા પડશે.
એવી ઓફરમાં જાઓ જેમાં પઝેશન વખતે પૈસા ચૂકવવાના હોય
રિયલ એસ્ટેટ ફર્મ હોમેન્ટ્સના ફાઉન્ડર પ્રદીપ મિશ્રા જણાવે છે કે ડેવલપર્સ મોટાભાગે ડિફર્ડ પેમેન્ટ પ્લાન ઓફર કરે છે જેથી તમને પૈસા આપવામાં સરળતા રહે. તમારે એવી ઓફરમાં જવું જોઇએ જેમાં વધારે પૈસા પઝેશન વખતે ચૂકવવાના હોય. ઘણાં બિલ્ડર મોડ્યુલર કિચન, વુડનવર્ક સહિત અન્ય ચીજો ઓફર કરે છે. બુકિંગ કરાવતા પહેલાં આ ચીજોની કિંમતની તમારે માર્કેટમાં તપાસ કરી લેવી જોઇએ. ફેસ્ટિવ ઓફરના બદલે પોતાનું ખિસ્સુ જોઇને પ્રોપર્ટી ખરીદો.
પ્રદીપ મિશ્રા કહે છે કે ફેસ્ટિવ ઓફર ડીલને આકર્ષક જરૂર બનાવી શકે છે પરંતુ ઘર ખરીદતી વખતે એવી ઘણી વસ્તુ છે જેને નજર અંદાજ ન કરી શકાય. પ્રોપર્ટીનું લોકેશન, કન્સ્ટ્રક્શનની ક્વોલિટી, સુખ-સુવિધાઓ, સમયસર ફ્લેટનું પઝેશન આપવાનો ડેવલપરનો ટ્રેક રેકોર્ડ, પ્રોજેક્ટ માટે મંજૂરી, રેરાનું એપ્રુવલ જેવી મહત્વની ચીજો પર જરૂર વિચારણા કરવી જોઇએ.