એક કરોડ હિન્દુ શરણાર્થી ભારત આવશેઃ જાણો કોણે આપી આ અગમચેતી?
- બાંગ્લાદેશમાં ચાલી રહેલા તોફાન વચ્ચે બીજેપી નેતા શુભેંદુ અધિકારીએ કહ્યું કે થોડા દિવસોમાં એક કરોડ હિન્દુ શરણાર્થીઓ પશ્ચિમ બંગાળમાં આવવાના છે, તેથી તમે તૈયાર રહેજો
બંગાળ, 05 ઓગસ્ટ: બાંગ્લાદેશમાં ચાલી રહેલું હિંસક વિરોધ પ્રદર્શન આગની જેમ ફેલાઈ રહ્યું છે. ભારે હિંસા અને તોફાન વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દેશ છોડી દીધો છે. પાડોશી દેશ બાંગ્લાદેશમાં થયેલી ઊથલપાથલે ભારતની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારીએ મોટું નિવેદન આપ્યું છે. શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, ‘થોડા દિવસોમાં એક કરોડ હિંદુ શરણાર્થીઓ પશ્ચિમ બંગાળ આવવાના છે, તેથી તમે તૈયાર રહો.’
શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળ વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન કહ્યું હતું કે, ‘બાંગ્લાદેશમાં હિન્દુઓનો નરસંહાર થઈ રહ્યો છે. રંગપુરમાં સિટી કાઉન્સિલના કાઉન્સિલર હરાધન નાયકની હત્યા કરવામાં આવી હતી. સિરાજગંજ પોલીસ સ્ટેશનમાં 13 પોલીસકર્મીઓની હત્યા કરવામાં આવી હતી, જેમાંથી 9 હિન્દુ છે. નોઆખલીમાં હિન્દુઓના ઘરો સળગાવવામાં આવ્યા હતા. હું પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને રાજ્યપાલને કહેવા માંગીશ કે તેઓ આ બાબતે ભારત સરકાર સાથે તાત્કાલિક વાત કરે.’
CAA વિશે બીજેપી નેતાઓએ શું કહ્યું?
નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) નો ઉલ્લેખ કરતા, શુભેન્દુ અધિકારીએ કહ્યું, “CAAમાં સ્પષ્ટ છે કે જો કોઈને ધાર્મિક ઉત્પીડનને કારણે માર મારવામાં આવે છે, તો આપણો દેશ આગળ આવશે અને આ કેસોની તપાસ કરશે. હું તમને કહી રહ્યો છું કે જો ત્રણ દિવસમાં આ સ્થિતિ કાબૂમાં નહીં આવે, તો બાંગ્લાદેશ જમાત અને કટ્ટરપંથીઓના હાથમાં જશે.”
બાંગ્લાદેશમાં ભારે તોફાન અને હિંસા
બાંગ્લાદેશમાં હિંસામાં મૃત્યુઆંક વધીને 101 થઈ ગયો છે. અનામત સુધારાની માંગ સાથે શરૂ થયેલું આંદોલન સરકાર બદલવાના આંદોલનમાં પરિવર્તિત થયું છે. સરકારના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ અને સરકારના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. બે જૂથો વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 101 લોકોએ જીવ ગુમાવ્યા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. માર્યા ગયેલા લોકોમાં મોટા ભાગના પોલીસકર્મીઓ છે, જેના પર પ્રદર્શનકારીઓ રોષે ભરાયા છે. વિરોધીઓએ પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓ, શાસક પક્ષના કાર્યાલયો અને તેમના નેતાઓના રહેઠાણો પર હુમલો કર્યો તથા અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી.
આ પણ વાંચો: શેખ હસીના ભારતમાં શરણાગતિ લઈ શકે છે, ઢાકા છોડીને નીકળી ગયાં બાંગ્લાદેશનાં વડાંપ્રધાન