Lookback 2024: બોલિવૂડના ટોપ 5 વિવાદો, જેણે ચર્ચાઓ જગાવી
- બોલિવૂડના એવા કેટલાક વિવાદો જેણે ખૂબ ચર્ચાઓ જગાવી. વર્ષ 2024 કોન્ટ્રોવર્સીથી ભરેલું રહ્યું. સફળ ફિલ્મો પણ તેની સાથે વિવાદ લાવતી હોય છે
HD ન્યુઝ ડેસ્કઃ 2024નું વર્ષ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ડ્રામા અને કોન્ટ્રોવર્સીથી ભરેલું રહ્યું છે. બોલિવૂડ સ્ટાર્સે અનેક વિવાદો ઊભા કર્યા જે દરેક લોકોમાં ચર્ચાનો વિષય બન્યા. આ વર્ષે (Year Ender 2024)બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક વિવાદોએ તોફાન મચાવ્યું હતું. પ્રભાસના કલ્કી પાત્ર પર અરશદ વારસીની ‘જોકર’ ટિપ્પણીથી લઈને ધનુષ અને નયનતારાની કાનૂની નોટિસ પરની લડાઈ સુધીના વિવાદો ખૂબ ચર્ચામાં રહ્યા. જાણો 2024ના (Good Bye 2024) ટોપ ફાઈવ વિવાદાસ્પદ સમાચારો.
અરશદ વારસીની પ્રભાસ પર ‘જોકર’ની ટિપ્પણી
વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે અરશદ વારસીએ પ્રભાસના કલ્કી 2898 એડીના ભૈરવ પાત્રને ‘જોકર’ કહ્યો. એક ઈન્ટરવ્યુમાં અરશદે કહ્યું કે, મેં કલ્કી જોઈ, મને સારી ન લાગી. મને એ જોઈને ખૂબ જ દુઃખ થયું. પ્રભાસ જોકર જેવો લાગતો હતો. હું મેડ મેક્સ જોવા ઈચ્છતો હતો. હું મેલ ગિબ્સનને ત્યાં જોવા ઈચ્છતો હતો. તમે તેને શું બનાવી દીધો યાર. કેમ કરો છો એવું? મને તો સમજ પડતી નથી કે આવી વસ્તુઓ શા માટે બનાવવામાં આવે છે. ઈન્ટરવ્યુ સામે આવ્યા બાદ અરશદની આ ટિપ્પણીને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. બાદમાં આઈફાના રેડ કાર્પેટ પર મીડિયા સાથેની વાતચીત દરમિયાન અરશર્દે પોતાના અગાઉના નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું કે તે ‘પાત્રનો ઉલ્લેખ કરી રહ્યો હતો, વ્યક્તિ નહીં.’ પ્રભાસે પણ અરશદની ટિપ્પણીનો જવાબ આપ્યો હતો અને આ સમાચાર અનેક દિવસ સુધી ચર્ચામાં રહ્યા હતા.
એઆર રહેમાનની બાસિસ્ટ મોહિની ડે સાથે લિંકઅપની અફવાઓ
ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાને નવેમ્બરમાં 29 વર્ષ પછી પત્ની સાયરા બાનુથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી તરત જ રહેમાનની તેની બાસિસ્ટ મોહિની ડે સાથેની ચર્ચાઓને ચગાવવામાં આવી હતી. આ વિવાદ ખરેખર તો ત્યારે થયો જ્યારે મોહિનીએ પણ એજ દિવસે તેના પતિથી અલગ થવાની જાહેરાત કરી હતી. બાસિસ્ટે પાછળથી ટ્રોલ્સ વિશે ખુલાસો કર્યો અને કહ્યું કે રહેમાન તેના પિતા જેવો છે. તેણે ‘બિનજરૂરી રીતે’ પોતાને વિવાદમાં ખેંચવા બદલ નિરાશા પણ વ્યક્ત કરી હતી.
દિવ્યા ખોસલા અને કરણ જોહર વચ્ચે જીગરાને લઈને ઝઘડો
આલિયા ભટ્ટની જિગરા 11 ઓક્ટોબર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા થિયેટરમાં ફિલ્મ જોવા ગઈ હતી, તેણે આરોપ લગાવ્યો કે જિગરાની સ્ટોરી તેની ફિલ્મ સાવી જેવી છે, જે આ વર્ષે મેમાં રિલીઝ થઈ હતી. તેણે આલિયા પર જીગરાના બોક્સ ઓફિસ કલેક્શન નંબર સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું, જીગરાના શો માટે સિટી મોલ પીવીઆરમાં ગઈ. થિયેટર સાવ ખાલી હતું બધા થિયેટર દરેક જગ્યાએ ખાલી થઈ જતા. તેણે આલિયાને ટેગ કરીને લખ્યું હતું, જાતે જ ટિકિટો ખરીદી અને શો હાઉસફુલ બતાવ્યા. આશ્ચર્ય થાય છે કે પેઇડ મીડિયા કેમ ચૂપ છે. એક ઈન્ટરવ્યુમાં દિવ્યાએ એમ પણ કહ્યું હતું કે હા, મને પણ મીડિયા, ઈન્ડસ્ટ્રી અને ટ્રેડ તરફથી આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે કે ‘સાવી’ અને ‘જીગરા’ ખૂબ જ સમાન લાગે છે, પ્લોટ અને બધું જ.
તેના પર પ્રતિક્રિયા આપતા જીગરા ના નિર્માતા કરણ જોહરે પણ ખોસલાની ટીકા કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે સત્ય મૂર્ખ લોકોને ઉશ્કેરે છે. જ્યારે લોકો નિર્લજ્જતાથી ચોરી કરે છે અને અન્યની વસ્તુઓ પર હકનો દાવો કરે છે, ત્યારે વ્યક્તિએ મૌન રહેવું જોઈએ અને ટકી રહેવું જોઈએ. આવા લોકો પાસે કોઈ અવાજ નથી, કોઈ કરોડરજ્જુ નથી.”
તનુશ્રી દત્તાના MeToo આરોપ પર નાના પાટેકરનો જવાબ
2018માં એક વેવ ક્રિએટ કરનાર MeToo ચળવળ દરમિયાન, તનુશ્રીએ આરોપ મૂક્યો હતો કે નાના પાટેકરે 2009ની ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના સેટ પર તેની જાતીય સતામણી કરી હતી. આ વર્ષે જૂનમાં નાના પાટેકરે ધ લલનટોપ સાથેના એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીના આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે તે બધા જુઠ્ઠાણા છે, જેના કારણે તે પરેશાન નથી થયો. આ પછી, તનુશ્રીએ આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, છ વર્ષ જૂના આરોપનો જવાબ! નાના પાટેકર પેથોલોજીકલ લાયર છે.
ધનુષે નયનતારા વિરુદ્ધ કાનૂની દાવો માંડ્યો
નયનતારાની ડોક્યુમેન્ટ્રીમાં ધનુષની જુની ફિલ્મ ‘નાનુમ રાઉડી ધાન’ની 3 સેકન્ડની ક્લિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અભિનેતા એ વાતે નારાજ થયો હતો કે ફિલ્મના દ્રશ્યોને ડોક્યુમેન્ટરીમાં સામેલ ન કરવા જોઈએ. તેણે અભિનેત્રીને 10 કરોડ રૂપિયાના કોપીરાઈટની લીગલ નોટિસ મોકલી છે. સોશિયલ મીડિયા પર નોટ શેર કરતી વખતે નયનતારાએ ધનુષની ખૂબ ટીકા કરી હતી. નયનતારાએ લખ્યું હતું કે, તમારા જેવા સ્થાપિત અભિનેતા જેના પિતા અને ભાઈ એક મોટા સ્ટાર છે, તેમણે એ સમજવાની જરૂર છે કે મારા જેવા લોકો સિનેમામાં અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. એક સેલ્ફ મેડ વુમન પાસે કંઈ જ નહોતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ન હોવા છતાં આજે હું જે સ્થાન પર છું ત્યાં સુધી પહોંચવા માટે મારે સખત સંઘર્ષ કરવો પડ્યો છે. સોશિયલ મીડિયામાં આ સામસામી લડાઈ પણ ચર્ચાસ્પદ રહી હતી.
આ પણ વાંચોઃ Lookback 2024: બોલિવૂડની આ ફિલ્મો કમાણીમાં બાજી મારી ગઈ!
આ પણ વાંચોઃ Lookback 2024: બોલિવૂડના આ સિતારાઓએ દુનિયાને જ અલવિદા કહ્યું!
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ