Lookback 2024: જાણો આ વર્ષે થયેલા પાંચ ગંભીર ક્રાઇમ
HD ન્યુઝ ડેસ્ક, ડિસેમ્બર, 2024 નું વર્ષ પૂર્ણ થવાને આરે છે. આ વર્ષે દેશમાં સાયબર ક્રાઈમના ઘણા મોટા મામલા સામે આવ્યા છે. આવા ગુનાઓમાં ઝડપી વધારો જોવા મળ્યો હતો. આ કેસોમાં સૌથી વધુ પ્રચલિત સાયબર કૌભાંડોનો સમાવેશ થાય છે, જેમાં રોકાણ કૌભાંડો, પાર્ટ-ટાઇમ જોબ કૌભાંડો, ત્વરિત લોન, ડિજિટલ ધરપકડ, ડેટિંગ કૌભાંડો, રિફંડ કૌભાંડો, બાબા સિદ્દીકી હત્યા કેસ, કોલકાતા ટ્રેઇની ડોક્ટર રેપ-મર્ડર કેસ, ખ્યાતિ હોસ્પિટલકાંડ, બ્લેકમની રેકેટ, BZ ગ્રુપ કૌભાંડ જેવા અનેક ક્રાઇમનો સમાવેશ થાય છે. જોકે, આ યાદીમાં પાંચ એવા ગંભીર અપરાધ બન્યા છે જે આગામી અનેક વર્ષો સુધી ભોગ બનેલા લોકોને પીડા આપશે અને સમાજને પણ એ ઘટનાઓ યાદ રહેશે.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં લોરેન્સ
બાબા સિદ્દીક હત્યા કેસ એક ગંભીર કેસ છે, જે 2024 ના મોટા ક્રાઇમની યાદીમાં સમાવેશ પામે છે. એનસીપી નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરના રોજ મુંબઈમાં હત્યા કરવામાં આવી હતી. મુંબઈના બાંદ્રા પૂર્વમાં તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને ગંભીર હાલતમાં લીલાવતી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના પછી થોડી જ વારમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ પ્રેસ કૉન્ફરન્સમાં બાબા સિદ્દીકીના નિધનની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. અને બાબા સિદ્દીક મર્ડર કેસમાં શૂટર શિવકુમારની બહરાઈચમાંથી ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાના સંદર્ભમાં સતત તપાસ ચાલી રહી છે અને આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો હાથ હોવાનું માનવામાં આવે છે.
કોલકાતા ટ્રેઇની ડોક્ટર રેપ-મર્ડર કેસ
કોલકાતા ડોકટર મર્ડર અને રેપ કેસ એ એક ગંભીર ઘટનામાંથી એક છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજમાં આ વર્ષે 9મી ઑગસ્ટે એક તાલિમી મહિલા ડોક્ટર સાથે આચરવામાં આવેલી હેવાનિયતથી દેશમાં ખળભળાટ મચી ગયો હતો. મહિલા ડોક્ટર પર પહેલા દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યાર બાદ તેની ઘાતકી હત્યા કરી દેવામાં આવી. મહિલા ડોક્ટર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં સવારે અર્ધ નગ્ન અને બેભાન અવસ્થામાં મળી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ ડોક્ટર તેને બચાવી શક્યા ન હતા. આ પછી દેશભરમાં ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે આંદોલન હજુ ડિસેમ્બરમાં પણ ચાલુ છે. જુનિયર ડોક્ટરો તેમની સાથી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા માટે ન્યાય માગી રહ્યા છે. ડોક્ટરનું નામ અને તેને કેવી રીતે મારવામાં આવ્યું તે વિશેની વિગતો હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ આ ઘટનાના પગલે પોલીસ તપાસ ચાલી રહી છે અને કેટલાક શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ખ્યાતિ હોસ્પિટલકાંડ અમદાવાદ
આ વર્ષે નવેમ્બર મહિનામાં PMJAY યોજનાના નામે આચરવામાં આવેલી ગંભીર ગેરરીતિ અને તેને કારણે થયેલાં નિર્દોષ લોકોનાં મૃત્યુનો મામલો માત્ર ગુજરાત માટે જ નહીં, સમગ્ર ભારત માટે આઘાતજનક હતો. અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન કરવામાં આવ્યા હતા. અને તેમાં 112 દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. આરોપીઓ દ્વારા દર્દીઓના સારવાર દરમિયાન યોગ્ય તકેદારી ન રાખવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ કાંડને લઈને ઘણા લોકો, ખાસ કરીને પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મૃત્યુ થયા હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો.
બ્લેકમની રેકેટનો પર્દાફાશ
ગુજરાતમાં ક્રિકેટ સટ્ટા અને ઓનલાઇન ગેમની બ્લેકમની રેકેટનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો. જેમાં સટ્ટાકિંગ અમિત મજેઠિયા આણી મંડળીના 35 બોગસ ખાતામાં 1,200 કરોડનું ટ્રાન્ઝેક્શનની માહિતી મળી. લોન લેવા માગતા લોકોના નામે ફોરેન ટ્રેડના એકસ્પોર્ટ અને ઇમ્પોર્ટના લાઇસન્સથી બોગસ કંપનીઓ બનાવી. કમિશન અને લોનની લાલચ આપી જરૂરિયાતમંદ લોકોના ડોક્યુમેન્ટ મેળવી લેવામાં આવતા હતા. જે તે વ્યક્તિના નામનું બેંક એકાઉન્ટ ખોલાવી આરોપીઓ તેને અમુક રકમ આપ્યા બાદ તેની જાણ બહાર આ બેંક એકાઉન્ટ પર કંપનીનું લાઈસન્સ જેમાં ટ્રેડિંગ કંપની, એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કંપની વગેરેના લાઇસન્સ મેળવી બોગસ કંપનીઓ બનાવતા હતા. કંપનીના નામે બોગસ ખાતા ખોલાવી તેમાં કરોડોના વ્યવહારો કરતા હતા.
BZ ગ્રુપ કૌભાંડ
ભૂપેન્દ્ર ઝાલા, જેને BZ ગ્રુપના ઠગ તરીકે ઓળખવામાં આવે છે, તે ગુજરાતમાં એક વિવાદાસ્પદ વ્યક્તિ છે. BZ ગ્રુપના ઠગ ભૂપેન્દ્ર ઝાલાએ કેટલા લોકોનું કેટલા કરોડોનું ફુલેકું ફેરવ્યું છે એનો હજુ સુધી સાચો અંદાજ મેળવી શકાયો નથી. તેમણે લગભગ 3000 લોકોના સાથે ઠગાઈ કરી હોવાનું માનવામાં આવે છે, જેમાં લોકોના પૈસા અને રોકાણોનો સમાવેશ થાય છે. ભૂપેન્દ્ર ઝાલા અને તેમના ગ્રુપના સભ્યો વિવિધ પ્રકારના સ્કેમ્સ ચલાવ્યા, કોર્ટમાં આ મામલે ઘણા કેસો ચાલી રહ્યા છે.
આ પણ વાંચો…Lookback 2024: જાણો આ વર્ષના ટોચના 5 ગેજેટ્સ, ગિફ્ટ કરવામાં છે બેસ્ટ ઓપ્શન