Look back 2024: આ વર્ષે ભારતમાં બનેલી વિનાશકારી ઘટનાઓ
Flashback 2024: ભારતે આ વર્ષે ચક્રવાત ફેંગલ અને વાયનાડમાં ભૂસ્ખલન જેવી ઘણી ખતરનાક આપત્તિઓનો સામનો કર્યો હતો. આ ઘટનાઓમાં ઘણા લોકોના મૃત્યુ થયા હતા અને ઘાયલ થયા હતા. હજારો લોકો બેઘર થઈ ગયા હતા અને ઘણી જગ્યાએ જનજીવન ઠપ થઈ ગયું હતું. વિવિધ કુદરતી આફતોએ દેશને હચમચાવી દીધો હતો.
2024 માં ભારત પર આવેલી કુદરતી આફતો (Year Ender 2024)
વાયનાડ ભૂસ્ખલનઃ કેરળના વાયનાડ જિલ્લામાં 30 જુલાઈના રોજ વાયનાડ ભૂસ્ખલન થયું હતું, જેમાં 420થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. 397 લોકો ઘાયલ થયા હતા અને 47 લોકો હજુ પણ ગુમ છે. 1500 થી વધુ મકાનો નાશ પામ્યા હતા અને હજારો લોકોને તેમના ઘરો છોડીને સલામત સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી હતી.
ચક્રવાત રેમલઃ ચક્રવાત રેમલ એ 2024નું ઉત્તર હિંદ મહાસાગરનું ચક્રવાત હતું, જે મોસમનું પ્રથમ હતું. તે 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના સુંદરવન ડેલ્ટા પ્રદેશમાં પ્રવેશ્યું હતું. ઓછામાં ઓછા 33 લોકોના મૃત્યુ હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને મિઝોરમમાં ભારે નુકસાન થયું હતું.
વડોદરા પૂરઃ ઑગષ્ટના છેલ્લા સપ્તાહમાં આવેલાં વરસાદી પૂરે વડોદરાને એટલું હચમચાવી દીધું હતું કે ત્રણેક દિવસ સુધી લોકોના જીવ પડીકે બંધાયેલા રહ્યા હતા. રાજ્યમાં પૂરની સ્થિતિને લીધે 47 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાંથી 11 વડોદરાના હતા. પૂરને પગલે વડોદરા પૂરમાં 84,970 પરિવારને રોકડ સહાય ચૂકવવામાં આવી હતી. વડોદરામાં આવેલા પૂરના પાણીએ ગરીબથી માંડીને અમીરને પ્રભાવિત કર્યા હતા. તેમાં પણ કાર માલિકોની તો દશા બેઠી હોય તેવું દ્રશ્ય ઉભું થયું હતું. શહેરની 40 ટકા કાર પૂરના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
ચક્રવાત ફેંગલઃ ચક્રવાત ફેંગલ 30 નવેમ્બરે પુડુચેરી નજીક ત્રાટક્યું હતું, જેમાં ઓછામાં ઓછા 19 લોકો મરણ પામ્યા હતા અને અન્ય ઘણા લોકોને અસર થઈ હતી. વાવાઝોડાએ ભારે વરસાદ સાથે તબાહી મચાવી હતી, જેમાં પુડુચેરીમાં 46 સેમી વરસાદ નોંધાયો હતો. રસ્તાઓ અને પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં પણ ભારે નુકસાન થયું હતું.
વિજયવાડા પૂરઃ 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી વિજયવાડામાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું. આ પૂરમાં 45 લોકોના મૃત્યુ થયા હતા અને 2.7 લાખ લોકો પ્રભાવિત થયા હતા. બુડામેરૂ નદી અને કૃષ્ણા નદીના પાણીથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રાહત કામગીરીમાં મોટી મુશ્કેલીઓ સર્જાઈ હતી.
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતાં પૂરઃ જૂનથી ઑગસ્ટ દરમિયાન હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની 51 ઘટનાઓ અને પૂર આવ્યા હતા. ઓછામાં ઓછા 31 લોકોના મૃત્યુ થયા હતા અને 33 લોકો ગુમ થયા હતા. લાહૌલ અને સ્પીતિ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત થયો હતો. આ સમયગાળા દરમિયાન 121 મકાનો નાશ પામ્યા હતા અને 35 ભૂસ્ખલન થયા હતા. આ આપત્તિને કારણે રાજ્યને 1,140 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
આસામ પૂરઃ આસામમાં પણ આ વર્ષે ભારે પૂર આવ્યું હતું, જેમાં 117 લોકોના મૃત્યુ થયા હતા. વર્ષ 2019થી અત્યાર સુધીમાં આસામમાં પૂરમાં કુલ 880 લોકોના મોત થયા છે. પૂરને કારણે લોકોનું જીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે અને તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S