Lookback 2024ટ્રેન્ડિંગનેશનલવિશેષ

Lookback 2024 : પૂર્વ વિદેશમંત્રી સહિત 5 દિગ્ગજ રાજકારણીઓએ 2024માં દુનિયા છોડી દીધી

Lookback 2024, નવી દિલ્હી, ડિસેમ્બર 2024: ભારતીય રાજકારણમાં રોજેરોજ નવી ઘટનાઓ બનતી રહે છે. અનેક નેતાઓ વારંવાર ચર્ચાઓમાં આવતા રહે છે. વર્ષ 2024માં દેશના રાજકારણમાં અનેક મોટા ફેરફારો જોવા મળ્યા હતા. આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ અને કેટલાયે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. જો કે આ વર્ષમાં ભારતીય રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવનારા ઘણા પ્રભાવશાળી નેતાઓનું અવસાન પણ થયું હતું. જેમાં પૂર્વ ડે.સીએમ, પૂર્વ વિદેશમંત્રી સહિત 5 દિગ્ગજ રાજકારણીઓનો સમાવેશ થાય છે.

સુશીલ કુમાર મોદી બે વખત બિહારના નાયબ મુખ્યમંત્રી રહ્યા

આ યાદીમાં પ્રથમ છે સુશીલ કુમાર મોદી. જેઓ બિહારના બે વખતના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા હતા. સુશીલ કુમાર મોદીનું કેન્સરની બીમારીને કારણે ગત 13 મે 2024ના રોજ અવસાન થયું હતું. સુશીલ કુમાર મોદી વર્ષ 2005 થી 2013 સુધી પ્રથમ વખત અને ત્યારબાદ વર્ષ 2017 થી 2020 સુધી બીજી વખત બિહારના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. સુશીલ કુમાર મોદીનું બિહારની રાજનીતિ અને વિકાસમાં યોગદાન મહત્વનું હતું.

કોંગ્રેસ નેતા 1 વર્ષ સુધી વિદેશ મંત્રી રહ્યા

આ યાદીમાં બીજું નામ છે કે. નટવરસિંહનું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહનું 10મી ઓગસ્ટ 2024ના રોજ અવસાન થયું હતું. તેમણે યુપીએ શાસન દરમિયાન વર્ષ 2004 થી 2005 સુધી મનમોહનસિંહની સરકારમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે 1953માં ભારતીય વિદેશ સેવાથી તેમની કારકિર્દીની શરૂઆત કરી અને 1984માં સેવામાંથી નિવૃત્ત થઈને લોકસભાના સભ્ય બન્યા હતા.

જીટ્ટા રેડ્ડીએ તેલંગાણાની રચના માટે આંદોલન કર્યા હતા

આ યાદીમાં ત્રીજું નામ છે જીટ્ટા બાલકૃષ્ણ રેડ્ડી. તેઓ દક્ષિણ ભારતના મોટા કદના નેતા હતા. ગત 6 સપ્ટેમ્બર 2024 ના રોજ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) નેતા જીટ્ટા બાલકૃષ્ણ રેડ્ડીનું અવસાન થયું હતું. તે સમયે તેઓ 52 વર્ષના હતા. જીટ્ટા બાલકૃષ્ણ રેડ્ડીએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત તેલંગાણા રાજ્યની રચના માટેના આંદોલનથી કરી હતી અને બાદમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) માં જોડાઈને રાજ્યના રાજકારણમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી.

સીતારામ યેચુરી બંગાળથી રાજ્યસભા સાંસદ હતા

આ યાદીના ચોથા નેતાને ભાગ્યે જ કોઈ રાજકારણી ઓળખતું નહીં હોય. ગત તા.12 સપ્ટેમ્બર 2024 ના રોજ, વરિષ્ઠ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) નેતા સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ 2005 થી 2017 સુધી પશ્ચિમ બંગાળથી રાજ્યસભાના સભ્ય હતા અને 1992 થી પક્ષના પોલિટબ્યુરોના સભ્ય હતા. ભારતીય રાજકારણમાં સામ્યવાદી વિચારધારાને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ હતું.

મહારાષ્ટ્રના મોટા ગજાના નેતા હતા બાબા સિદ્દીકી

આ યાદીના પાંચમા અને અંતિમ નેતા છે મહારાષ્ટ્રના દિગજ્જ નેતા બાબા સિદ્દીકી. તેઓ મહારાષ્ટ્ર કોંગ્રેસના ચાર વખત ધારાસભ્ય હતા અને બાદમાં NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)માં જોડાયા હતા અને સામાજિક કાર્યો માટે પણ જાણીતા હતા. ગત 12 ઓક્ટોબર 2024ના રોજ મુંબઈમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Lookback 2024: જાણો આ વર્ષે થયેલા પાંચ ગંભીર ક્રાઇમ

આ પણ વાંચોઃ Lookback 2024: જાણો આ વર્ષના ટોચના 5 ગેજેટ્સ, ગિફ્ટ કરવામાં છે બેસ્ટ ઓપ્શન

Back to top button