T20 World Cupની ભારત-પાકિસ્તાનની મેચ પર થશે આતંકી હુમલો?
30 મે, ન્યૂયોર્ક: આવતી 9મી જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ICC T20 World Cup 2024માં ભારત-પાકિસ્તાનની મેચ ક્યારે શરુ થાય તેની તમામ ક્રિકેટપ્રેમીઓ રાહ જોઈ રહ્યા છે. પરંતુ હાલમાં મળેલા સમાચાર અનુસાર આ મેચમાં આતંકવાદી હુમલો થવાની શક્યતાઓ સામે આવી છે.
ન્યૂયોર્ક પોલીસ ડીપાર્ટમેન્ટ એટલેકે NYPD દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વર્લ્ડ કપની ન્યૂયોર્કમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ દરમ્યાન ‘લોન વૂલ્ફ’ એટેક થવાની સંભાવનાઓ છે. લોન વૂલ્ફ એટેક એટલે એક જ આતંકવાદી દ્વારા અસંખ્ય વ્યક્તિઓને ઈજા પહોંચાડવી અથવાતો જીવનું નુકસાન પહોંચાડવું.
પરંતુ નાસાઉ કાઉન્ટી એક્ઝીક્યુટીવ બ્રુસ બ્લેકમેન અને પોલીસ કમિશ્નર પેટ્રિક રાયડરે જણાવ્યું છે કે આ બાબતે ચિંતા કરવાનું કોઈજ કારણ નથી.
બ્લેકમેને અહિંના મિડીયાને જણાવ્યું હતું કે, ‘દરરોજ નાસાઉ કાઉન્ટી તેમજ અન્ય કાઉન્ટી અને શહેરોને અસંખ્ય ધમકીઓ વિશે માહિતી મળતી હોય છે અને અમે દરેક ધમકીને ગંભીરતાથી લઈએ છે. દરેક ધમકી સાથે કામ પાર પાડવા માટે શું કરવું જોઈએ તે વિશે પણ અમે નિશ્ચિત પગલાં પણ લેતાં હોઈએ છીએ. આથી અમે ભારત-પાકિસ્તાનની મેચ દરમ્યાન નાસાઉ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારો તેમજ આઈનહોવર પાર્કના વિસ્તારો સુરક્ષિત રહે તે માટેના તમામ પગલાં ઉઠાવી રહ્યા છીએ. અમે અમારા સામાન્ય બંદોબસ્ત ઉપરાંત વધારાના 100 પોલીસકર્મીઓને પણ મેચ દરમ્યાન સુરક્ષા માટે અહીં ગોઠવવાના છીએ.’
પરંતુ જ્યારે કમિશ્નર રાઈડરને લોન વૂલ્ફ એટેક બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે કોઈ ગેમ રમાતી હોય અને આટલા બધા લોકો તેને જોવા આવનારા હોય ત્યારે કોઇપણ ધમકીની અવગણના ન કરી શકાય. અમે અમારી પાસે રહેલી તમામ માહિતીઓ પર વિશદ ચર્ચા કરીશું અને નાસાઉ કાઉન્ટીના તમામ રહીશોની સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત પણ કરીશું. હું તમને ગેરંટી આપું છું કે તમે જોશો કે નાસાઉ કાઉન્ટીના ઇતિહાસમાં આટલી જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થા તમે અગાઉ ક્યારેય નહીં જોઈ હોય અને 9 જૂને સ્ટેડિયમ એ સમગ્ર નાસાઉ કાઉન્ટીમાં સહુથી સુરક્ષિત જગ્યા હશે.’
થોડા દિવસો અગાઉ ટ્રીનીદાદ એન્ડ ટોબેગોના વડાપ્રધાનને પાકિસ્તાન સ્થિત એક આતંકવાદી સંગઠને ઈમેઈલ દ્વારા વર્લ્ડ કપ દરમ્યાન આતંકવાદી હુમલો કરવાની ધમકી મળી હતી. અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ બંને સંયુક્ત રીતે આ વર્લ્ડ કપની યજમાની કરી રહ્યા છે.