આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

લંડનમાં કારની ડિક્કીમાંથી મળ્યો ભારતીય મહિલાનો મૃતદેહ, પતિને શોધવા પોલીસે કામે લગાડ્યા 60થી વધુ જાસૂસ

લંડન, તા.18 નવેમ્બર, 2024: બ્રિટનના લંડનમાં અનેક ભારતીયો વસે છે. જોકે ક્યારેક તેમની સાથે અઘટિત ઘટના પણ બનતી હોય છે. લંડનમાં એક કારની ડિક્કીમાંથી 24 વર્ષીય ભારતીય  મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાની હત્યા તેના પતિ દ્વારા કરવામાં આવી હોવાની આશંકા છે. હાલ તે ફરાર છે. પોલીસ મહિલાના પતિને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટના આ મહિનાની શરૂઆતમાં બની હતી અને મહિલાના પતિ વિશે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.

24 વર્ષીય હર્ષિતા બ્રેલાનો મૃતદેહ થોડા દિવસો પહેલા પૂર્વ લંડનના ઇલફોર્ડ વિસ્તારમાં બ્રિસ્બેન રોડ પર એક કારની ડિક્કીમાંથી મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવ્યો ત્યારથી મહિલાના ભારતીય મૂળના પતિ પંકજ લાંબા વિશે પણ કોઈ માહિતી નથી. પોલીસે આરોપીઓને શોધવા માટે 60 જાસૂસોની ટીમ તૈનાત કરી છે, પરંતુ પંકજ વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

પોલીસ પ્રવક્તાએ કહ્યું, કાર બ્રિસ્બેન રો, ઇલફોર્ડમાં પાર્ક કરેલી હતી અને વાહનની અંદર 24 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. લંડનથી લગભગ 145 કિલોમીટર ઉત્તરમાં કોર્બીમાં મહિલા તેના ઘરેથી ગુમ થવા અને થોડા દિવસો પછી યુકેની રાજધાનીમાં એક કારમાં મળી આવવા વચ્ચેની કડી મેળવવા માટે કામ કરી રહ્યા છીએ.

પતિ તરફ શંકાની સોય

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે હર્ષિતા પર એક પરિચિત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદથી હર્ષિતાનો પતિ પણ ગુમ હોવાથી શંકાની સોય તેની તરફ વળી છે. ઇસ્ટ મિડલેન્ડ્સ સ્પેશ્યલ ઓપરેશન્સ મેજર ક્રાઈમ યુનિટના વરિષ્ઠ તપાસ અધિકારી ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર જોની કેમ્પબેલે કહ્યું, હું હર્ષિતા બ્રેલાના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. તેનું આ રીતે મોત દુઃખદ છે. પોલીસના જાસૂસો તેના મૃત્યુ પાછળના કારણો જાણવા અને આરોપીની ભાળ મેળવવા માટે 24 કલાક કામ કરી રહ્યા છે. બ્રેલાના હત્યા કોઈ ચોક્કસ હેતુથી કરવામાં આવી હોઈ શકે છે.

પોલીસે લોકોને કરી આ ખાસ અપીલ

પોલીસે એમ પણ કહ્યું, અમે માનીએ છીએ કે હર્ષિતા પર તેના કોઈ પરિચિત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જો તમને આ અંગે કોઈ માહિતી હોય તો અમારો સંપર્ક કરો. તેમજ જો તમે છેલ્લા અઠવાડિયામાં કંઈપણ શંકાસ્પદ જોયું હોય અથવા તમારી પાસે કોઈ માહિતી હોય, ભલે તે ગમે તેટલી નાની હોય, તો પણ અમને જાણ કરવા વિનંતી છે.

આ પણ વાંચોઃ 94 વર્ષ, 9 ટીપાં… આ દેશમાં 1930થી ચાલી રહ્યો છે વિશ્વનો સૌથી લાંબો વૈજ્ઞાનિક પ્રયોગ

Back to top button