ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સરકાર સચિવાલયના કામમાં દખલ કરતી નથી, અમે કરવા પણ નહીં દઇએઃ ઓમ બિરલા

Text To Speech

નવી દિલ્હી, 14 ડિસેમ્બર: સંસદ સુરક્ષા ચૂકના મામલે આજે વિપક્ષી સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના સાંસદોએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને ગૃહમાં અરાજકતા ન ફેલાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ગઈકાલની ઘટનાની જવાબદારી લોકસભા સચિવાલયની છે. લોકસભાના અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે કે હું બધાની સાથે બેસીને ચર્ચા કરું. ગઈકાલે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી. અને આજે પણ ચર્ચા કરીશ. સરકારને આની સાથે કોઈ લેવાદેવા નથી. ઓમ બિરલાએ કહ્યું કે, સરકાર સચિવાલયના કામમાં દખલગીરી કરતી નથી અને ન અમે કરવા દઈશું.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ સંસદની સુરક્ષામાં ક્ષતિ અંગે ગૃહમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, ગઈકાલની ઘટનાને લઈ તમામે નિંદા કરી છે. સ્પીકરે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, આપણે બધા સાંસદોએ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે એવા લોકોને વિઝિટિંગ પાસ ન આપીએ જે ગૃહની અંદર અરાજકતા ફેલાવી શકે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે તમામ કાયદાકીય પગલાં લેવામાં આવશે. આપણે ઘટનાની નિંદા કરવી જોઈએ. હવે ગૃહની અંદર હોબાળો કરી શાંતિ ભંગ કરવાનો કોઈ ફાયદો નથી.

સંસદ ભવનમાં સુરક્ષામાં ચૂકની ઘટના સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની 22મી વરસી પર બની હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, સંસદમાં સ્મોક એટેક કરનારા એકબીજાને ઓળખતા હતા. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે સાગર, મનોરંજન, અમોલ અને નીલમને કસ્ટડીમાં લીધા છે. જ્યારે અન્ય એક આરોપી વિશાલની ગુરુગ્રામમાંથી ધરપકડ કરવામાં આવી છે. સંસદ પહોંચતા પહેલા તમામ આરોપીઓ વિશાલના ઘરે રોકાયા હતા. અન્ય આરોપી લલિતની શોધખોળ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી પોલીસે સંસદની સુરક્ષા ભંગ અંગે તમામ આરોપીઓ સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ એક્ટ (UAPA) હેઠળ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો: સંસદ ભવનની સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ 8 કર્મચારી સસ્પેન્ડ

Back to top button