ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન નોંધાયું હોવાનું ચૂંટણીપંચે કર્યું જાહેર

  • કોંગ્રેસના આરોપને ફગાવીને ચૂંટણી પંચે જાહેર કર્યા ત્રીજા તબક્કાના આંકડા
  • પહેલા અને બીજા તબક્કાના આંકડા જાહેર થવાના વિલંબ પર કોંગ્રેસે ઉઠાવ્યા હતા સવાલો

દિલ્હી, 11 મે: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનના ચાર દિવસ બાદ ચૂંટણી પંચે કુલ મતદાન ટકાવારીના આંકડા જાહેર કર્યા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ત્રીજા તબક્કામાં કુલ 65.68 ટકા મતદાન નોંધાયું હતું. જો કે, 7 મેના રોજ મોડી સાંજે પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ત્રીજા તબક્કામાં 64.40 ટકા મતદાન થયું હતું. પરંતુ ચાર દિવસ પછી આ આંકડામાં લગભગ એક ટકાનો વધારો જોવા મળ્યો છે.

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ પૂર્ણ થયું હતું. આ દિવસે 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ત્રીજા તબક્કામાં પુરુષોનું મતદાન 66.89 ટકા, મહિલાઓનું મતદાન 64.41 ટકા અને થર્ડ જાતીનું મતદાન 25.2 ટકા થયું હતું.

ત્રીજા તબક્કામાં ક્યાં કેટલું થયું મતદાન?

ત્રીજા તબક્કામાં આસામમાં 85.45 ટકા, છત્તીસગઢમાં 71.98 ટકા, બિહારમાં 59.15 ટકા, ગુજરાતમાં 61.06 ટકા, પશ્ચિમ બંગાળમાં 77.53 ટકા, યુપીમાં 57.55 ટકા, કર્ણાટકમાં 71.84 ટકા અને મધ્યપ્રદેશમાં 66.75 ટકા મતદાન નોંધાયું હતું. 2019ના મતદાનની ટકાવારીની સરખામણીમાં, 2024ના ત્રીજા તબક્કાની કુલ મતદાન ટકાવારીમાં લગભગ બે ટકા ઓછું મતદાન નોંધાયું છે.

ડેટા જાહેર કરવામાં વિલંબ પર કોંગ્રેસ કર્યો હતા આક્ષેપ

કોંગ્રેસ પાર્ટીએ અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબ કરવા બદલ ચૂંટણી પંચ પર પણ પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સવાલ ઉઠાવ્યો હતો કે ચૂંટણી પંચનું આ વલણ યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે ડેટા મોડો જાહેર કરવા પાછળનું કારણ શું છે? તેમણે કહ્યું કે અગાઉની ચૂંટણીઓમાં પંચ 24 કલાકની અંદર અંતિમ આંકડા જાહેર કરી દેતું હતું પરંતુ હવે વિલંબ કેમ થઈ રહ્યો છે.

જો કે ચૂંટણી પંચે ખડગેના સવાલ પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. પંચે કહ્યું છે કે ખડગે દ્વારા જે પ્રકારના નિવેદનો અને આક્ષેપો કરવામાં આવ્યા છે તે સ્વસ્થ લોકતંત્ર માટે સારા નથી. આનાથી નિષ્પક્ષ મતદાન અંગે મૂંઝવણ ફેલાઈ શકે છે.

આ પણ વાંચો: ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ આ મહિલાના ચરણ સ્પર્શ કર્યા, કોણ છે આ 80 વર્ષની મહિલા?

Back to top button