ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકસભા ચૂંટણી જાહેરઃ 19 એપ્રિલથી એક જૂન સુધી સાત તબક્કામાં યોજાશે મતદાન, ગુજરાતમાં સાત મેએ મતદાન

Text To Speech
  • ગુજરાતમાં સાત મેએ યોજાશે મતદાન

નવી દિલ્હી, 16 માર્ચ, 2024: ચૂંટણીપંચ દ્વારા આજે લોકસભા ચૂંટણી-2024 માટેના કાર્યક્રમ જાહેર કર્યો હતો. તે અનુસાર 18મી લોકસભા માટે સાત તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતમાં સાતમી મેએ એક તબક્કામાં મતદાન થશે જ્યારે કેટલાક રાજ્યોમાં બે તબક્કામાં મતદાન થશે. સંવેદનશીલ ગણાતા જમ્મુ-કાશ્મીર સહિત રાજ્યોમાં વધુ તબક્કામાં મતદાન કરાવવાનું ચૂંટણીપંચે નક્કી કર્યું છે.

ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે જ્યારે અંતિમ તબક્કાનું મતદાન એક જૂને યોજાશે. લોકસભા ચૂંટણીની સાથે 26 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી ઉપરાંત ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણી પણ યોજાશે. આ તમામ ચૂંટણીનાં પરિણામ ચોથી જૂને જાહેર થશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે, બીજા તબક્કાનું 26 એપ્રિલે, ત્રીજા તબક્કાનું 7મી મેએ, ચોથા તબક્કાનું 13મી મેએ, પાંચમા તબક્કામાં 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 25 મેએ તથા સાતમા અને અંતિમ તબક્કામાં એક જૂને મતદાન થશે. તમામની મતગણતરી ચોથી જૂને યોજાશે.

આજે શનિવારે બપોરે ત્રણ વાગ્યે 18મી લોકસભા ચૂંટણીની જાહેરાત કરતાં પંચે માહિતી આપી હતી કે, આ વખતે દેશમાં કુલ 97 કરોડ મતદારો મતદાનમાં ભાગ લેશે, જે પૈકી 47 કરોડ મહિલા મતદારો તથા 48 કરોડ પુરુષ મતદારો હશે.

આ વખતની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોની સંખ્યા 1.8 કરોડ છે.

જે રાજ્યોમાં લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેમાં સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં લોકસભા ચૂંટણીના તબક્કાની સાથે જ વિધાનસભા ચૂંટણી યોજાશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, ચૂંટણી માટે 10.5 લાખ મતદાન કેન્દ્ર તૈયાર કરવામાં આવશે અને 1.5 કરોડ સલામતી કર્મચારી-અધિકારીઓ ત્યાં તહેનાત રહેશે.

આ વખતે 82 લાખ મતદારો 85 વર્ષથી વધુ ઉંમરના છે. 2.18 લાખ મતદારો 100 વર્ષ કરતાં વધુ ઉંમરના છે અને જો તેઓ ઈચ્છે તો ઘરેથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે.

ચૂંટણીપંચે મસલ-મની-મિસ ઈન્ફર્મેશન તથા એમસીસી વાયોલેશન જેવા ચાર મુદ્દા ઉપર આ વખતે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.  પંચે ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોને ચૂંટણી આચારસંહિતાનું પાલન કરવા તેમજ અયોગ્ય ભાષા અને અંગત આક્ષેપોથી બચવા સલાહ આપી છે. પંચે કહ્યું કે, મસલ પાવરનો મુકાબલો કરવા પંચની પૂરી તૈયારી, 24 કલાકની વ્યવસ્થા કરવામાં આવશે. ચૂંટણીપંચે જણાવ્યું કે, મફતની વસ્તુઓ વહેંચવાની પદ્ધતિ રોકવા માટે પંચ દ્વારા વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ બાબતે તકેદારી રાખવામાં આવશે. ખાસ કરીને બેંકો મારફત થતા વ્યવહાર, ઑનલાઈન ટ્રાન્સફર ઉપર રોજેરોજ ધ્યાન રાખવામાં આવશે. એરપોર્ટ પર પણ ધ્યાન રાખવામાં આવશે. વિશેષ વિમાન કે હેલિકોપ્ટરમાં ઉતરતા સામાનની ચકાસણી કરવામાં આવશે.

પંચ સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતી ઉપર ચાંપતી નજર રાખશે તેમ જણાવી રાજીવ કુમારે કહ્યું કે, ચૂંટણીપંચ ટૂંક સમયમાં મીથ વિરુદ્ધ રિયાલિટી સેવા લૉન્ચ કરશે. મીડિયાને પણ સૂચના આપવામાં આવી છે, જાહેરાત હોય તો સ્પષ્ટ લખો, તેમ પંચ દ્વારા સલાહ આપવામાં આવી હતી.

આ વખતની ચૂંટણીમાં પંચ દ્વારા 2100 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે જેઓ 24 કલાક નજર રાખીને ચૂંટણી પ્રક્રિયા ન્યાયી અને પારદર્શી રહે તે જોશે.

આ પણ વાંચોઃ આજથી લાગુ થનારી આચારસંહિતા શું છે? નાગરિકોને શું અસર કરે?

Back to top button