લોકસભા ચૂંટણી : હવે ભાજપ શરૂ કરશે સેન્સ પ્રક્રિયા, નિરીક્ષકોના નામ કરાશે જાહેર
ગાંધીનગર, 29 જાન્યુઆરી : ગુજરાત ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ચૂંટણી માટે ઝડપથી આગળ વધી રહેલા ભારતીય જનતા પક્ષે પહેલા કલ્સ્ટર બનાવીને તેના ઇન્ચાર્જ નીમી દીધા અને તેઓએ કામગીરી શરૂ કરી દીધી તો બીજી તરફ લોકસભા બેઠકો પરના પ્રભારી પણ નિયુકત કરીને જવાબદારી સોંપી છે અને ઉમેદવારોની પસંદગી માટે પણ ફેબ્રુઆરી માસમાં જ મહત્વપૂર્ણ રીતે આગળ વધશે તે નિશ્ચિત છે.
પક્ષની પ્રક્રિયા મુજબ ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં ગુજરાતભરમાં ઉમેદવારોની પસંદગી અંગે સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે. પક્ષે ચૂંટણી કાર્યાલય ખોલી દીધા છે અને તે રીતે કાર્યકર્તાઓ માટે હવે એક જગ્યાએ એકત્ર થવા માટેની સુવિધા ઉભી કરી દીધી છે. તો બીજી તરફ આગામી મહિનામાં ધારાસભા મતક્ષેત્રમાં પણ પક્ષના ચૂંટણી કાર્યાલય ખુલી જશે. સુત્રોના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીના પ્રારંભમાં પક્ષ તમામ 26 બેઠકો માટે નિરીક્ષકોના નામની જાહેરાત કરશે અને તા.15 ફેબ્રુઆરી આસપાસ આ નિરીક્ષકો જે તે મત ક્ષેત્રમાં જઇને ઉમેદવારો માટેની સેન્સ કાર્યકર્તાઓ પાસેથી મેળવશે અને તેમનો રીપોર્ટ પણ ફેબ્રુઆરીના અંત સુધીમાં સુપ્રત કરી દે અને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ તેના પર વિચારણા કરીને દિલ્હી ખાતે પેનલ પણ મોકલી આપે તેવી શકયતા નકારાતી નથી.
સુત્રોના જણાવ્યા મુજબ ભાજપે જાહેર પ્રચારની સાથે ઉમેદવારોની પસંદગી અંગે હોમવર્ક પણ લાંબા સમય પહેલા શરૂ કરી દીધુ છે અને પક્ષે પહેલા તમામ સાંસદોના રીપોર્ટ કાર્ડ મંગાવીને તેમના પ્લસ-માઇનસનો એક અલગ રીપોર્ટ તૈયાર કરીને તેના આધારે નવા ઉમેદવાર શોધવાની કામગીરી પણ આંતરીક શરૂ કરી છે. તો દરેક બુથમાં ખાસ કરીને જયાં વિધાનસભા ચૂંટણીમાં માઇનસ મતો રહ્યા હતા તેવા બુથોને ઓળખી કાઢીને ત્યાં પણ મજબુત રીતે પક્ષને પ્લસમાં ફેરવવામાં આંતરીક રીતે કામગીરી શરૂ કરી છે.