ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સોશિયલ મીડિયા પર લોકસભા ચૂંટણીની તારીખો વાયરલ, ચૂંટણી પંચે શું કહ્યું?

  • લોકસભા ચૂંટણી 2024ની તારીખો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેને ચૂંટણી પંચે નકારી કાઢતાં કહ્યું કે, ‘અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરીએ છીએ, વોટ્સએપ મેસેજ દ્વારા નહીં’

દિલ્હી, 25 ફેબ્રુઆરી: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીની તારીખોની અટકળો બજારમાં વહેતી થઈ રહી છે. આ વર્ષે નવી સરકાર માટે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, આવી સ્થિતિમાં ચૂંટણી પંચ ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે. આ દિવસોમાં લોકસભા ચૂંટણીની તારીખોને લઈને સોશિયલ મીડિયા પર અનેક દાવાઓ થઈ રહ્યા છે. ચૂંટણી પંચે લોકોને આ ખોટા સમાચારોથી સાવધાન રહેવા જણાવ્યું છે. ચૂંટણી પંચે શનિવારે કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીના શેડ્યૂલ વિશે બનાવટી વોટ્સએપ મેસેજ ફેલાવવામાં આવી રહ્યો છે. ટ્વીટર પર એક પોસ્ટમાં ચૂંટણી પંચે લખ્યું છે કે, “લોકસભા ચૂંટણી 2024ના શેડ્યૂલને લઈને વોટ્સએપ પર એક નકલી મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી આયોગ દ્વારા કોઈ તારીખોની જાહેરાત કરવામાં આવી નથી.”

 

ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થઈ શકે છે?

ઈન્ડિયા ટુડે અનુસાર, ચૂંટણી પંચ 13 માર્ચ પછી ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચના અધિકારીઓ હાલમાં સામાન્ય ચૂંટણીની તૈયારીઓ માટે વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે અને જ્યારે આ પૂર્ણ થશે ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.

લોકસભા ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચની તૈયારીઓ જાણવા ચૂંટણી પંચના અધિકારીઓ તમિલનાડુની મુલાકાતે છે. હવે આગામી સમયમાં ચૂંટણી અધિકારીઓ ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોની મુલાકાત લેશે. આ પ્રવાસો 13 માર્ચ પહેલા સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ 13 માર્ચ પછી ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.

રાજકીય પક્ષો છે તૈયાર

સામાન્ય ચૂંટણી માટે વિવિધ પક્ષોની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બીજેપીને પીએમ મોદીના નેતૃત્વમાં ફરી એકવાર સરકાર બનાવવાની આશા છે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ ઈન્ડી ગઠબંધન બનાવીની એક સાથે લોકસભા લડી રહી છે. વિપક્ષી ગઠબંધને પણ લોકસભા ચૂંટણીમાં જીતનો દાવો કર્યો છે. બીજેપીના નેતૃત્વમાં એનડીએ ઈન્ડી ગઠબંધનનો સામનો કરશે. આ સિવાય ઘણા પ્રાદેશિક પક્ષો પણ પોતપોતાના રાજ્યોમાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો: દિલ્હીમાં સરકાર ચલાવવા માટે મને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ: અરવિંદ કેજરીવાલ

Back to top button