ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

લોકસભા ચૂંટણી : સીટ અને ઢંઢેરા અંગે કોંગ્રેસની બેઠક યોજાઈ

નવી દિલ્હી, 4 જાન્યુઆરી : લોકસભાની ચાલુ વર્ષ 2024માં યોજાનારી ચૂંટણી માટે દરેક પાર્ટીઓએ રણનીતિ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ચૂંટણીને લઈને મંથન કર્યું હતું. બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જો તે સાથી પક્ષો સાથે સોદાબાજી કરે તો કોંગ્રેસ કેટલી બેઠકો મેળવી શકે તેનું પણ મૂલ્યાંકન કર્યું હતું. પાર્ટીના સ્થાનિક નેતાઓએ કહ્યું કે જો અમે ગઠબંધનમાં વધુ બેઠકોની માંગણી કરીશું તો જ સમજૂતીની ફોર્મ્યુલા તૈયાર થશે.

બિહાર, ઝારખંડમાં કેટલી બેઠકો માંગશે ?

બિહાર કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે જો ડાબેરી પક્ષો અને કોંગ્રેસ 25 બેઠકોની માંગ કરે તો અમને 10-12 બેઠકો મળી શકે છે. નેતાઓએ કહ્યું કે અમે ગઠબંધન ઈચ્છીએ છીએ અને જ્યાં સુધી જેડીયુ અને આરજેડીને સમાવવાની વાત છે તો અમે પ્લસ અને માઈનસ સહન કરવા તૈયાર છીએ. ઝારખંડના નેતાઓએ કહ્યું કે આપણે 12નો દાવો કરવો જોઈએ અને 7થી નીચે સહમત ન થવું જોઈએ.

યુપીમાં 40 બેઠકોની માંગ, 20 મળવાની આશા

બેઠકમાં યુપી કોંગ્રેસના નેતાઓએ 40 સીટોની માંગણી કરી હતી. પરંતુ સમાજવાદી પાર્ટી સાથે વાતચીત બાદ તેમને 20 બેઠકો મળવાની આશા છે. ત્યારે બંગાળના નેતાઓએ કહ્યું કે આપણે 6 સીટોની માંગ કરવી જોઈએ. તેમજ ટીએમસી સાથે ઓછામાં ઓછી 4 સીટો પર વાતચીત થવી જોઈએ. જ્યારે પંજાબ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાની વિરુદ્ધ છે, રસપ્રદ વાત એ છે કે જોડાણ સમિતિએ પંજાબ માટે તેનો અહેવાલ સુપરત કર્યો નથી, જે ખરેખર પંજાબમાં AAP-કોંગ્રેસ ગઠબંધન માટે રેડ એલર્ટ છે.

દેશની અડધાથી વધુ બેઠકો ઉપર લડવાની વિચારણા

કોંગ્રેસે આજે લોકસભા ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ, ઢંઢેરા અને સીટ વહેંચણી અંગે ચર્ચા કરી હતી. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના નેતાઓને તેમના મતભેદો ભૂલીને એક થવા અને પાર્ટી લાઇનની બહાર સંવેદનશીલ મુદ્દાઓ વિશે વાત ન કરવા જણાવ્યું હતું કારણ કે તે ઘણીવાર શરમમાં પરિણમે છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીએ લગભગ અડધી લોકસભા બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે, જે બેઠકો પર કોંગ્રેસ જીતવાની સંભાવના છે. કોંગ્રેસ કુલ બેઠકોમાંથી અડધાથી વધુ બેઠકો પર ચૂંટણી લડવાનું વિચારી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીએ રાજ્ય એકમોને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવા અને પ્રથમ યાદી પ્રદાન કરવા કહ્યું છે.

Back to top button