મહુઆ મોઇત્રા લાંચ કેસમાં પુરાવા રજૂ કરવા નિશિકાંત દુબેને લોકસભા સમિતિનું તેડું
- કમિટીએ વકીલ જય અનંત દેહાદરાયને પણ બોલાવ્યા
- બીજી તરફ મહુઆએ હાઇકોર્ટમાં દુબે વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો
નવી દિલ્હીઃ લોકસભાની એથિક્સ કમિટીએ તૃણમૂલ સાંસદ (TMC) નેતા મહુઆ મોઇત્રા સામેની ફરિયાદ પર જુબાની આપવા માટે 26 ઓક્ટોબરે બીજેપી સાંસદ નિશિકાંત દુબેને બોલાવ્યા છે. એથિક્સ કમિટીએ વકીલ જય અનંત દેહાદરાયને પણ બોલાવ્યા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાને ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સાંસદ મહુઆ મોઈત્રા સામે લાંચ લઈને ગૃહમાં પ્રશ્નો પૂછતા હોવાની લેખિત ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ મામલાને ગૃહની એથિક્સ કમિટીને સોંપવામાં આવ્યો હતો. જેમાં વિવિધ પક્ષોના 15 સભ્યો સામેલ થશે. બીજી તરફ, મહુઆ મોઈત્રાએ નિશિકાંત દુબેના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. અને દુબે વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
મહુઆ મોઇત્રા પર ગંભીર આરોપો લાગ્યા
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો છે કે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીએ સંસદમાં પ્રશ્નો પૂછવા માટે મહુઆ મોઇત્રાને ભેટ અને પૈસા આપ્યા હતા. નિશિકાંત દુબેએ કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરને પત્ર લખીને માંગ કરી છે કે મહુઆ મોઈત્રાના લોકસભા લોગિન આઈડી અને આઈપી એડ્રેસની તપાસ કરવામાં આવે. નિશિકાંત દુબેએ એમ પણ કહ્યું છે કે, મહુઆ મોઇત્રા દ્વારા તાજેતરમાં પૂછાયેલા 61 પ્રશ્નોમાંથી 50 એવા પ્રશ્નો છે જે દર્શન હિરાનંદાની અને તેમની કંપનીના વ્યાપારી હિતોની સુરક્ષા અને લાભ માટે પૂછાયા છે. ત્યારબાદ મહુઆએ મંગળવારે નિશિકાંત દુબે, જય અનંત દેહાદરાય અને ઘણી મીડિયા સંસ્થાઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો.
એથિક્સ કમિટીના અધ્યક્ષ વિનોદ સોનકરની અધ્યક્ષતામાં લોકસભાની 15 સભ્યોની સમિતિ મહુઆ મોઇત્રાના કેસની તપાસ કરશે. આ કમિટિનું કામ કોઈપણ સાંસદ વિરુદ્ધ સંસદીય આચરણ સંબંધિત આરોપોની તપાસ કરવાનું છે. લોકસભા સ્પીકર દ્વારા જે પણ ફરિયાદ મોકલવામાં આવે છે તેની તપાસ આ સમિતિ દ્વારા કરવામાં આવે છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેને મહુઆ મોઇત્રા સામેના તેમના આરોપોના સમર્થનમાં પુરાવા માંગવામાં આવશે.
આ પણ વાંચો: TMC સાંસદ પ્રશ્ન પૂછવા પૈસા લે છે : ભાજપ , MP મહુઆ મોઇત્રાએ કહ્યું, તપાસ કરાવી લો