‘યાર ન કહી શકાય…’ રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન વિપક્ષ સાંસદ પર ભડક્યા સ્પીકર

નવી દિલ્હી: 3 ફેબ્રુઆરી, 2026: લોકસભામાં બજેટ સત્રના પાંચમા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન ભારે હોબાળો જોવા મળ્યો હતો. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત આક્રમક અંદાજમાં કરી હતી, જેમાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
લેખને પ્રમાણિત કરવાનો મુદ્દો
રાહુલ ગાંધીએ સંસદમાં જણાવ્યું કે, “ગઈકાલે મેં એક આર્ટિકલના આધારે ભાષણ શરૂ કર્યું હતું, જે હવે મેં ઓથેન્ટિકેટ (પ્રમાણિત) કરી દીધું છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણમાં અમેરિકા, ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનો મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે. પીઠાસીન અધિકારી કૃષ્ણા પ્રસાદ તેન્નેટીએ તેમને આ દસ્તાવેજ સદનના પટલ પર રાખવા જણાવ્યું હતું.
‘યાર’ શબ્દ પર વિવાદ
ચર્ચા દરમિયાન જ્યારે કે.સી. વેણુગોપાલ અને પીઠાસીન અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી હતી, ત્યારે પાછળથી કોઈ સભ્યએ ‘યાર’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ સાંભળીને પીઠાસીન અધિકારી ભડકી ગયા હતા. તેમણે કડક શબ્દોમાં કહ્યું, “આ ‘યાર’ શું છે? તમે ચેર (અધ્યક્ષના સ્થાન) સાથે આ રીતે વાત ન કરી શકો.” તેમણે રાહુલ ગાંધીને વચમાં ન બોલવા અને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા તાકીદ કરી હતી.
રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર
રાહુલ ગાંધીએ ચીન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને વર્તમાન સમયનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય મુદ્દો ગણાવતા કહ્યું કે, “હું આ દેશના વિપક્ષનો નેતા છું. બોલવાની પરવાનગી એ મને મળેલી કોઈ ભીખ નથી, પણ મારો અધિકાર છે. ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે તે રાષ્ટ્રપતિના અભિભાષણ અને બજેટ બંનેનો મુખ્ય વિષય હોવો જોઈએ.”
કિરણ રિજિજૂએ લદ્દાખના મુદ્દે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે સ્પીકર આ બાબતે પહેલેથી જ નિર્ણય આપી ચૂક્યા છે, તેથી આ મુદ્દો ફરી ઉઠાવી શકાય નહીં.
આ પણ વાંચોઃ દિલ્હીમાં દરરોજ ગાયબ થઈ રહ્યા છે 27 લોકો… માત્ર 27 દિવસમાં 807 લોકો લાપતા
આ પણ વાંચોઃ ‘આના જેવી કાળી…’ સપના ચૌધરીએ નાઇજીરિયન રેપરના રંગ પર કરી ટિપ્પણી, TV એક્ટર ભડક્યો












