ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

દાહોદમાં ઉત્પાદિત લોકોમોટિવ્સ વિશ્વભરમાં પ્રખ્યાત થશેઃ અશ્વિની વૈષ્ણવ

અમદાવાદ, તા.1 માર્ચ, 2025ઃ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે છે. તેમણે દાહોદમાં રેલ કારખાનાની મુલાકાત લીધી હતી.તેમણે કહ્યું, દાહોદમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત ઔદ્યોગિક કેન્દ્રને દરેક વ્યક્તિ જીવનભર યાદ રાખશે. લોકોમોટિવમાં ઉપયોગમાં લેવાતી ટેક્નિકને જોવી એ એક અદ્ભુત અનુભવ હતો.આ એન્જિન 89% મેડ ઇન ઇન્ડિયા છે. આ એક સારા સમાચાર છે અને હું ટીમને શક્ય તેટલી વહેલી તકે 100% મેડ ઇન ઇન્ડિયા બનાવવા માટે પડકાર આપું છું. આપણે દહોદમાં ઉત્પાદિત લોકોમોટિવ્સને વિશ્વભરમાં પ્રખ્યાત થવાનું સપનું જોઈએ છીએ.

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે કહ્યું કે, અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યમાં શહેરના વારસા અને તેની પરંપરાનું ધ્યાન રાખવામાં આવશે. તેમણે કહ્યું કે રેલવે સ્ટેશનના પુનર્નિર્માણમાં ઘણી નવીનતાઓ કરવામાં આવી છે. શહેરનો સમૃદ્ધ વારસો જેમ કે ઝૂલતા મિનારા, પતંગ મહોત્સવ વગેરે તેની ડિઝાઇનમાં પ્રતિબિંબિત થાય છે. રેલવે મંત્રીએ શનિવારે અમદાવાદ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ અભિગમ આધુનિક ભારતના સાંસ્કૃતિક માળખાને જાળવી રાખવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.

ગુજરાતમાં 97 ટકા રેલવે લાઇનોનું વિદ્યુતીકરણ

અમદાવાદ રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ ભારતીય રેલ્વેના મહત્વાકાંક્ષી ‘અમૃત ભારત સ્ટેશન પ્રોજેક્ટ’ નો એક ભાગ છે, જે અંતર્ગત દેશભરના 1,300 થી વધુ રેલ્વે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવામાં આવશે. રેલવે મંત્રીએ કહ્યું કે નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી કરવામાં આવશે અને આ દરમિયાન ટ્રેનોની અવરજવરને પણ ઓછી અસર થશે. રેલવે પ્રધાન વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 97 ટકા રેલવે લાઇનોનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં 100 ટકા વિદ્યુતીકરણનું લક્ષ્ય હાંસલ કરવામાં આવશે.

ગુજરાતના વિકાસ માટે કેન્દ્રની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા મંત્રીએ કહ્યું કે રેલવેના વિકાસ માટે રાજ્યને 17,155 કરોડ રૂપિયાનું રેકોર્ડ બજેટ ફાળવવામાં આવ્યું છે અને આ ક્ષેત્રમાં 1.27 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે દાહોદ ફેક્ટરીમાં ટૂંક સમયમાં એન્જિનનું ઉત્પાદન શરૂ થશે, જેનો શિલાન્યાસ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. વૈષ્ણવે આણંદમાં બુલેટ ટ્રેન સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ જણાવ્યું હતું કે, આનંદ સ્ટેશન પર ત્રણ માળ હશે, જેમાં બે બાજુના પ્લેટફોર્મ અને વચ્ચે ચાર ટ્રેક હશે. આ સ્ટેશન પર ટિકિટિંગ અને વેઇટિંગ એરિયા, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, શૌચાલય, ઇન્ફોર્મેશન બૂથ, રિટેલ સેન્ટર વગેરે સહિતની તમામ આધુનિક સુવિધાઓ હશે.

આ પણ વાંચોઃ બરેલીમાં બસ ટ્રોલી સાથે અથડાઈ, બે ગુજરાતીનાં મૃત્યુ,ત્રણ ઘાયલ

Back to top button