ગુજરાતટોપ ન્યૂઝ

મોંઘવારીનો વધુ એક ડામ, અદાણી ગેસ બાદ ગુજરાત ગેસે CNG-PNGમાં ભાવ વધારો ઝીંક્યો

Text To Speech

મોંઘવારીના ભારણ હેઠળ પિસાતી પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ લગાડવામાં આવ્યો છે. અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસ દ્વારા પણ CNG-PNGના ભાવમાં વધારો કરવમાં આવ્યો છે.

ગુજરાત ગેસના CNG ભાવ 80ને પાર
અદાણી ગેસે હજુ ગત મહિને જ CNG-PNGના ભાવમાં વધારો કર્યો હતો ત્યારે હવે ગુજરાત ગેસે પણ આ ભાવવધારાનો બોજ જનતા પર નાખ્યો છે. ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં 2 રૂપિયા 60 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે PNGમાં ભાવમાં 3 91 પૈસાનો વધારો ઝીંક્યો છે.

આમ ગુજરાત સરકારની ગેસ કંપની ગુજરાત ગેસ લિમિટેડે CNG ગેસના ભાવમાં રૂ. 2.60 ભાવ વધારો જાહેર કરતાં રાજ્યમાં ગેસનો ભાવ રૂ. 82.16ના સ્તરે પહોંચી ગયા છે. જ્યારે PNG ગેસના ભાવ રૂપિયા 48.50 થયા છે.

અદાણી ગેસે એક સાથે 5 રૂપિયાનો વધારો કર્યો હતો
ગત માસના પ્રથમ સપ્તાહમાં અદાણી જૂથ દ્વારા CNGની કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો હતો. અદાણી ગેસ તરફથી CNGની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. જેના પગલે અમદાવાદમાં CNGનો નવો ભાવ 79.59 રૂપિયા થયો છે. મહત્વનું છે કે, અમદાવાદમાં CNGનો જૂનો ભાવ 74.59 રૂપિયા હતો. આમ ગુજરાત ગેસના જૂના ભાવ 79.56 હતા જે વધીને 82.16 રૂપિયા પ્રતિ કિલો થયા જ્યારે PNGમાં જૂના ભાવ 44.14 હતા જે વધી 48.50 રૂપિયા થયા છે.

ગેસે સિલિન્ડરના ભાવ 1000ને પાર
ઓઈલ કંપનીઓએ ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો, તે સાથે જ હવે ઘરેલુ સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. આ પહેલાં માર્ચ 2022માં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

1 મેના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા હતા
આ મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓએ LPG ગેસના ભાવમાં 102.50 રૂપિયાનો વધારો કર્યો હતો. આ ભાવવધારો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર પર કરવામાં આવ્યો હતો. ભાવમાં વધારા પછી વાદળી કલરના રંગના આ સિલિન્ડરની નવી કિંમત દિલ્હીમાં હવે 2355.50 રૂપિયા છે. આ પહેલાં એની કિંમત 2253 રૂપિયા હતી.

5 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત હાલ 655 રૂપિયા
બીજી તરફ 5 કિલો LPG સિલિન્ડરની કિંમત હાલ 655 રૂપિયા છે. એક મહિના પહેલાં 1 એપ્રિલે પણ LPG સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલાં 1 માર્ચે 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ-સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે 22 માર્ચે 9 રૂપિયાનો વધારો થયો હતો.

Back to top button