ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી, પેટા ચૂંટણી માટે મતદાન શરૂ, 18મીએ પરિણામ

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી : રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી, પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેના માટે અત્યારે મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યભરમાં કુલ 5000 કરતા વધુ ઉમેદવાર મેદાને છે અને કુલ 38 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. આ ચૂંટણીનું પરિણામ બે દિવસ પછી એટલે કે આગામી 18મીએ જાહેર થવાનું છે.

ક્યાં ચૂંટણી છે અને કેટલા ઉમેદવાર છે?

રાજ્ય ચૂંટણી આયોગના આંકડા મુજબ રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૮ નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય/ મધ્યસત્ર તથા સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ જાહેર થયેલ છે. જેમાં તા.૨૭-૦૧-૨૦૨૫ થી તા.૦૧-૦૨- ૨૦૨૫ સુધી સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ ૭૦૩૬ ઉમેદવારી પત્રો રજૂ થયેલ હતા તે પૈકી ૧૨૬૧ અમાન્ય તેમજ ૫૭૭૫ ઉમેદવારી પત્રો માન્ય રહેલ છે. ૪૭૮ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચેલ છે. કુલ ૨૧૩ બેઠકો બિનહરીફ થયેલ છે, તેમજ હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ ૫૦૮૪ ઉમેદવારો હરિફાઇમાં છે.

જૂનાગઢ મનપામાં 8 બેઠક અગાઉ જ બિનહરીફ થઈ

આજે યોજાનાર જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫ વોર્ડોની કુલ ૬૦ બેઠકો ઉપરની ચૂંટણી પૈકી વોર્ડ નં.૩ તથા ૧૪ (કુલ ૮ બેઠકો) સંપૂર્ણ બિનહરીફ થયેલ છે બાકીના વોર્ડોની પર( બાવન) બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ માટે કુલ ૧૫૭ ઉમેદવારો હરીફાઇમાં રહેલ છે. આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.૭ (સામાન્ય), ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૩ (સામાન્ય) તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮( પછાતવર્ગ) ની પેટા ચૂંટણી હેઠળની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ ૧૭ ઉમેદવારો હરીફાઇમાં છે.

રાજ્યભરમાં 66 નગરપાલિકાની 167 બેઠક બિનહરીફ થઈ

સામાન્ય ચૂંટણી હેઠળની ૬૬ નગરપાલિકાઓના ૪૬૧ વોર્ડ પૈકી ૨૪ વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ ૧૮૪૪ બેઠકો પૈકી ૧૬૭ બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે ૧૬૭૭ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે કુલ ૪૩૭૪ ઉમેદવારો હરિફાઇમાં છે.

બોટાદ અને વાંકાનેરમાં મધ્યસ્થ ચૂંટણી

મધ્યસત્ર ચૂંટણી હેઠળની બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓના ૧૮ વોર્ડ પૈકી ૪ વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ ૭૨ બેઠકો પૈકી ૨૩ બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે ૪૯ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે ૧૦૧ ઉમેદવારો હરિફાઇમાં છે.

નગરપાલિકાની પેટા ચૂંટણી હેઠળની ૨૧ બેઠકો પૈકી ૨ બેઠકો (મોરબી જિલ્લાની માળિયા મિયાણા નગરપાલિકાના વોર્ડ નં.ર તથા ૫ ની બેઠક) બિનહરીફ થયેલ છે. ૧૯ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ ૪૫ ઉમેદવારો હરિફાઇમાં છે.

જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની ૯ બેઠકો પૈકી ૧ બેઠક (પંચમહાલ જિલ્લાની ૨૯-શિવરાજપુર) બિનહરીફ થયેલ છે. ૮ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે ૨ર ઉમેદવારો હરિફાઇમાં છે.

ગાંધીનગર, કઠલાલ તથા કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી હેઠળના ૭૮ મતદાર મંડળો માટે ૧૭૮ ઉમેદવારો હરિફાઇમાં છે. આ ઉપરાંત તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની ૯૧ બેઠકો પૈકી ૧૨ બેઠકો બિનહરીફ થયેલ છે. હારીજ તાલુકા પંચાયતની ૧૨-સાંકરા, બગસરા તાલુકા પંચાયતની ૧૬-વાઘણીયાજુના પર ઉમેદવારી પત્રો ભરાયેલ ન હોય તેમજ બાબરા તાલુકા પંચાયતની ૧૦-કરીયાણા બેઠક પર એક ઉમેદવારી પત્ર રજૂ થયેલ જે રદ થયેલ હોય ચૂંટણી યોજવાની થતી નથી. આ સિવાયની પેટા ચૂંટણી હેઠળની ૭૬ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે ૧૯૦ ઉમેદવારો હરિફાઇમાં છે.

આ ઓળખપત્ર સાથે રાખી મત આપી શકાશે

ચૂંટણી હેઠળની સંસ્થાઓની આંકડાકીય વિગતો આ સાથે સામેલ પત્રકમાં દર્શાવવામાં આવેલ છે. તા. ૧૬-૦૨-૨૦૨૫ના રોજ સવારે ૭.૦૦ કલાકથી ૬.૦૦ કલાક સુધી મતદાન યોજાનાર છે. સામાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી હેઠળની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં મતદાન મથકે મત આપવા જનાર મતદારે ભારતના ચૂંટણી પંચે આપેલ મતદાર ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે અનિવાર્ય સંજોગોમાં જો મતદાર ઓળખપત્ર રજૂ ન કરી શકે તો રાજ્ય ચૂંટણી આયોગે તા.૨૬-૧૧-૨૦૧૬ના આદેશ ક્રમાંક: રાચઆ-ચટણ-સ્થા.સ્વ.૨૫-૧૧૨૦૧૬-ક, થી નક્કી કરેલ ૧૪ (ચૌદ) ફોટો સાથેના દસ્તાવેજી પૂરાવો રજૂ કરી મતદાન કરી શકશે.

આ પણ વાંચો :- નવી દિલ્હી સ્ટેશને ભીડ અને ધક્કામુક્કીઃ મોટી દુર્ઘટનામાં 18 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા

Back to top button