ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી : EVM ખોટકાયા, ક્યાંક ચૂંટણી અધિકારી દારૂ પીને આવ્યા


- કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થયુ
- અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ
- લગભગ 38 લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાયુ છે. ત્યારે 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થયુ છે. લગભગ 38 લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. રાજ્યમાં વિવિધ મતદાનબૂથ પર ઇવીએમ ખોટવાયાની ફરિયાદ મળી હતી.
અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ
અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરિફ જાહેર છે. જોકે રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએથી ઈવીએમ ખોટકાયાની ફરિયાદો મળી રહી છે. ધંધૂકા અને જામનગરમાં તો બે વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પરિજનો પણ મતદાન કરવા પહોંચ્યા હતા.
મહેમદાવાદમાં એક પ્રિસાઈડિંગ ઓફિસર ઇલેક્શન ડ્યુટીમાં જ દારૂ પીધેલ હાલતમાં પકડાયા
રાજ્યમાં ચાલી રહેલ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ખેડા જિલ્લાના મહેમદાવાદમાં એક પ્રિસાઈડિંગ ઓફિસર ઇલેક્શન ડ્યુટીમાં જ દારૂ પીધેલ હાલતમાં પકડાયા છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પીધેલા ચૂંટણી અધિકારી વીરેન્દ્ર સુખાભાઈ બારિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેઓ મહેમદાવાદ પ્રાથમિક કન્યા શાળામાં ફરજ પર હતા. પીધેલી હાલતમાં ફરજ બજાવતાં અધિકારીને તાત્કાલિક હટાવવામાં આવ્યા હતા. તેનાથી ચૂંટણી પ્રક્રિયામાં વિઘ્ન આવ્યો હતો.