મોડાસા પાસે પશુ ભરેલા ડાલાએ અંબાજી જતા પદયાત્રીઓને અડફેટે લીધા, ત્રણ લોકોને ઈજા
મોડાસા, 10 સપ્ટેમ્બર 2024, ગુજરાતમાં શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે પદયાત્રીઓ રસ્તા પર જતા નજરે પડી રહ્યાં છે. ત્યારે રસ્તામાં અનેક વખત વાહનોની અડફેટ આવતાં ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે.આજે સવારે 9 કલાક આસપાસ માલપુર રોડથી મોડાસા તરફ પશુ ભરેલ એક જીપડાલું ઓવરસ્પીડમાં જઈ રહ્યું હતું. જે જીપડાલામાં ત્રણ પશુઓ ભરેલા હતા. તેવામાં અચાનક જીપડાલા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા જીપડાલું રેલાવા લાગ્યું અને અંબાજી જઈ રહેલા ત્રણ પદયાત્રીઓને અડફેટે લીધા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા.
પોલીસે ફરિયાદ નોંધીને ચાલકની પૂછપરછ હાથ ધરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદ-સંજેલી તરફનો સંઘ સાકરીયા પાસેથી પસાર થતો હતો તે સમયે જીપડાલાના ચાલકે ટક્કર મારી હતી અને જીપડાલું પલટી ગયું હતું. અન્ય પદયાત્રીઓ અને આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા અને 108 બોલાવી ત્રણેયને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડયા હતા. જેમાં એક ગંભીર હોવાથી તેને ગોધરા વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ડાલામાં ભરેલા પશુઓને પણ પદયાત્રીઓએ બચાવ્યા હતા.લોકોએ જીપડાલાના ચાલકને પણ ઝડપીને પોલીસને સોંપ્યો છે. આ પશુઓ ચોરી ના હતા કે કેમ સમગ્ર બાબતે મોડાસા રુલર પોલીસે ફરિયાદ નોંધીને ચાલકની પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચોઃસુરેન્દ્રનગરના સાયલા હાઈવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 લોકોએ જીવ ગુમાવ્યો