બ્રિટનના PM લિઝ ટ્રસે આપ્યું રાજીનામું


બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રુસે રાજીનામું આપી દીધું છે. લિઝે જાહેરાત કરી છે કે હું કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપી રહી છું. અગાઉ, તેમની સરકારમાંથી એક વરિષ્ઠ પ્રધાનના રાજીનામાની શ્રેણી અને સંસદના નીચલા ગૃહમાં સભ્યોની ઉગ્ર ટીકા બાદ આ પદ પર ટ્રસને પીએમ પદ પર યથાવત રાખવા અંગે શંકાઓ ઊભી થઈ હતી. ગયા મહિને, સરકારે એક આર્થિક યોજના રજૂ કરી, જે નિષ્ફળ થવાથી આર્થિક ઉથલપાથલ અને રાજકીય સંકટ સર્જાયું હતું.
PM બન્યાના 45 દિવસમાં રાજીનામું
આ પછી, નાણા પ્રધાન બદલવા સિવાય, ટ્રસને તેમની ઘણી નીતિઓ બદલવી પડી. તેમજ તેમના કાર્યકાળ દરમિયાન સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીમાં અનુશાસનહીનતા જોવા મળી હતી. કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક નેતાઓએ કહ્યું કે ટ્રસને પીએમ પદેથી રાજીનામું આપવું જોઈએ. જો કે, તે સમયે ટ્રસે કહ્યું હતું કે તે રાજીનામું આપશે નહીં. કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ સિમોન હોરેએ કહ્યું કે સરકાર અવ્યવસ્થિત થઈ ગઈ છે.
ઋષિ સુનકને હરાવી ટ્રસ બન્યા હતા PM
મહત્વનું છે કે-લિઝ ટ્રસે ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવી બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા હતા. તેના 45 દિવસમાં જ તેમણે રાજીનામું આપી દીધું છે. આવું બ્રિટનના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે. ટ્રસનું જીવન પણ ઘણું રસપ્રદ છે. સરકારી શાળામાં ભણેલા, 47 વર્ષીય ટ્રસના પિતા ગણિતના પ્રોફેસર અને માતા નર્સ હતા. મજૂર તરફી પરિવારમાંથી આવતા ટ્રસે ઓક્સફોર્ડમાંથી ફિલસૂફી, રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે થોડો સમય એકાઉન્ટન્ટ તરીકે પણ કામ કર્યું. તે પછી તે રાજકારણમાં આવી ગઈ. તેઓ કાઉન્સિલર તરીકે પ્રથમ ચૂંટણી જીત્યા હતા. પરિવાર લેબર પાર્ટીનો સમર્થક હતો, પરંતુ ટ્રસને કન્ઝર્વેટિવ પાર્ટીની વિચારધારા ગમતી હતી. ટ્રસ 2010માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. ટ્રસ શરૂઆતમાં યુરોપિયન યુનિયન છોડવાના મુદ્દાની વિરુદ્ધ હતી. જોકે, બાદમાં બ્રેક્ઝિટના હીરો તરીકે ઉભરેલા બોરિસ જોન્સનના સમર્થનમાં બહાર આવ્યા હતા.