અમિતાભ બચ્ચનની જાગૃતતાથી આજે નવી સંસદની ઈમારત પર ઉભો છે અશોક સ્તંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રોજ એટલે કે સોમવારે દેશની નવી સંસદની ઇમારતની છત પર વિશાળ અશોક સ્તંભનું અનાવરણ કર્યું. ચાર મુખવાળા સિંહનું આ પ્રતીક અને તેની નીચેનું અશોક ચક્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છે. એક સમય હતો જ્યારે અમિતાભ બચ્ચને આ રાષ્ટ્રીય પ્રતીકને લઈને દેશની સંસદમાં અવાજ ઉઠાવ્યો હતો અને જે બાદ તેને લગતો એક મહત્વપૂર્ણ કાયદો બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને 1984માં દેશના રાજકારણમાં પગ મૂક્યો હતો અને કોંગ્રેસની ટિકિટ પર અલ્હાબાદથી ચૂંટણી લડતા હેમવતી નંદન બહુગુણા જેવા દિગ્ગજ નેતાને હરાવ્યા હતા. સંસદમાં પહોંચ્યા પછી અમિતાભ ત્યાં લાંબા સમય સુધી રોકાયા નહોતા પરંતુ તેમણે એક જાગૃત નેતા તરીકે તેમની હાજરી ચોક્કસપણે અનુભવાઈ હતી.
રાષ્ટ્રપતિના ડિનરમાં અમિતાભ પહોંચ્યા હતા
અવારનવાર મૌન રહીને પોતાનું કામ કરતા અમિતાભે સંસદમાં આ મહત્વપૂર્ણ કામ અંગે ક્યારેય અવાજ ઉઠાવ્યો નથી. પરંતુ તેમણે સંસદમાં રાષ્ટ્રીય પ્રતીક સાથે જોડાયેલ મુદ્દો ઉઠાવ્યો અને મોટો કાયદો બનાવડાવ્યો. જ્યારે અમિતાભ બચ્ચન સાંસદ હતા, ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં તમામ સાંસદો અને અન્ય મહેમાનો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિનરમાં અમિતાભ બચ્ચન પણ સાંસદ તરીકે પહોંચ્યા હતા. નાનકડા સમારંભ પછી ભોજન શરૂ થયું ત્યારે અમિતાભને જમતા સમયે આંચકો લાગ્યો તેમણે જોયું કે જે પ્લેટોમાં લોકો ભોજન કરી રહ્યા છે તેમાં એક ડિઝાઈનના રૂપમાં રાષ્ટ્રીય ચિહ્ન હતું. અમિતાભને એ વાત પસંદ ન આવી કે રાષ્ટ્ર ચિન્હ દોરેલી પ્લેટોમાં ભોજન પીરસવામાં આવે છે.
સંસદમાં પોતાનો મુદ્દો મૂક્યો
આ પછી અમિતાભે સંસદમાં પોતાની વાત રજૂ કરવા માટે સમય માંગ્યો અને જ્યારે તેમનો વારો આવ્યો તો તેમણે ભોજનની પ્લેટ પર રાષ્ટ્ર ચિન્હના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો. તેમણે સંસદમાં કહ્યું કે તે અયોગ્ય છે કે આવા ખાણી-પીણી માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર રાષ્ટ્રીય પ્રતીકો બનાવવામાં આવે. આ રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન છે. જ્યારે સંસદનું ધ્યાન આ તરફ ગયું તો બધાએ અમિતાભના વખાણ કર્યા અને નક્કી થયું કે આ અંગે કાયદો બનાવવો જોઈએ. અમિતાભ બચ્ચનની પહેલ પર, સંસદમાં એક કાયદો લાવવામાં આવ્યો હતો કે ખાદ્યપદાર્થો અથવા અન્ય વસ્તુઓ પર રાષ્ટ્રીય પ્રતીક બનાવવું ગેરકાયદેસર છે.