ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક : ડીસાના ટેટોડા પાસે રૂ. 3.18 લાખનો દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ
- સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતો દારૂ ઝડપ્યો
- પોલીસે દારૂ અને કાર સહિત રૂ.10 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો
પાલનપુર : ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડીસા- ધાનેરા હાઇવે પર ટેટોડા ગામ નજીકથી વિદેશી દારૂ ભરીને આવતી સ્કીર્પિયો કારને ઝડપી લઇ દારૂ તેમજ કાર સહિત રૂ.10.29 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો .પોલીસે સ્કોર્પિયો ચાલકની અટકાયત કરી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ બદલ કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનું નેટવર્ક મોટાપાયે ચાલી રહ્યું છે. જેમાં રાજસ્થાનના સાચોરથી બનાસકાંઠા જિલ્લાના માર્ગો પર થઈને વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો આવી રહ્યો હોવાની બાતમી ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલની મળી હતી. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડીસા- ધાનેરા હાઇવે પર ટેટોડા ગામ નજીક વોચ ગોઠવી હતી.
જેમાં પોલીસે અલગ- અલગ વાહનોનું ચેકિંગ શરૂ કરતા સ્કોર્પિયો કાર નંબર જીજે 7 બીઆર 0021 માંથી વિદેશી દારૂનું જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પંચો રૂબરૂ તપાસ કરતા કારમાંથી દારૂ અને બિયરની કુલ 2088 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે રૂપિયા 3,18,336 ની કિંમતનો દારૂ અને બિયર તેમજ રૂપિયા 7 લાખની સ્કોર્પિયો કાર સહિત કુલ રૂપિયા 10.29 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.
જ્યારે રાજસ્થાન ન સાંચોર તાલુકાના નાગોલડી ગામના સ્કોર્પિયો કારના ચાલક અરજણ મગારામ ઉર્ફે મગસી દેવાસી રબારીની અટકાયત કરી હતી. જ્યારે પોલીસે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક ચલાવવા બદલ લક્ષ્મણરામ વિરમાજી દેવાસી રબારી, સુરેશ બિસ્નોઇ, રમેશ કરશનજી રબારી, મહેન્દ્રસિંહ વાઘેલા ઉર્ફે ગનુભા તેમજ સ્કોર્પીયો ગાડીના માલીક સામે ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી તમામની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે
આ પણ વાંચો : પાલનપુર : ડીસાના વાસડા ગામે બે જૂથો વચ્ચે ચૂંટણીની અદાવતમાં થઈ મારામારી