દારૂ કૌભાંડ: CBIની અરજી મંજૂર, કેજરીવાલને વધુ 14 દિવસ રહેવું પડશે તિહાર જેલમાં
- દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂની નીતિ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈની માંગ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા
દિલ્હી, 29 જૂન: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. દિલ્હી લિકર પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલને સીબીઆઈની વિશેષ અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ દિલ્હીના મુખ્યમંત્રીની 3 દિવસની સીબીઆઈ કસ્ટડી સમાપ્ત થયા બાદ તેમની 14 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી. રાઉઝ એવન્યુની વિશેષ સીબીઆઈ કોર્ટે અરવિંદ કેજરીવાલને 12 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા છે.
સીએમ અરવિંદ કેજરીવાલની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને ત્રણ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી ત્યારે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરવામાં આવી રહેલી દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કસ્ટડીમાં હતા.
કસ્ટડી પૂરી થતા CBIએ અરવિંદ કેજરીવાને કોર્ટમાં રજૂ કર્યા
કોર્ટમાં સુનાવણી પૂરી થયા બાદ અરવિંદ કેજરીવાલના વકીલ ઋષિકેશ કુમારે જણાવ્યું હતું કે, “અરવિંદ કેજરીવાલની કસ્ટડી સમાપ્ત થઈ રહી હતી. સીબીઆઈએ તેમને કોર્ટમાં રજૂ કર્યા અને વધુ કસ્ટડીની માંગણી નહીં, પરંતુ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માગણી કરી હતી. જેનો અમે વિરોધ કર્યો હતો. અમે કોર્ટને કહ્યું કે સીબીઆઈ પાસે તેને વધુ ન્યાયિક કસ્ટડીમાં મોકલવા માટે કોઈ કારણ નથી. “અમારી અને સીબીઆઈની વાત સાંભળ્યા બાદ કોર્ટે અરવિંદ કેજરીવાલને 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલી દીધા છે.”
અરવિંદ કેજરીવાલ સોમવાર અથવા મંગળવારે કોર્ટમાં જામીન અરજી કરશે
અરવિંદ કેજરીવાલના વકીલ ઋષિકેશ કુમારે જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ સોમવાર અથવા મંગળવારે કોર્ટમાં જામીન અરજી આપશે. અરવિંદ કેજરીવાલના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરીને માંગણી કરી છે કે જ્યારે કેજરીવાલને ED કેસમાં ધરપકડ બાદ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે તબીબી આધાર પર આપવામાં આવેલી મુક્તિ ચાલુ રાખવામાં આવે.
આ પણ વાંચો: ‘કોફિનમાં છેલ્લો ખીલો લગાવવાનો સમય આવી ગયો’: જેલમાંથી બહાર આવતા જ હેમંત સોરેનનો ભાજપને પડકાર