ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

લિકર પોલિસી સ્કેમ : વધુ 2 આરોપીઓને જામીન, હવે બધા જેલની બહાર

Text To Speech

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર : દિલ્હી હાઈકોર્ટે પીએમએલએ સંબંધિત લિકર પોલિસી સ્કેમ કેસમાં ઉદ્યોગપતિ અમિત અરોરા અને અમનદીપ સિંહ ધલને નિયમિત જામીન મંજૂર કર્યા છે. મતલબ કે આ ED કેસના તમામ આરોપીઓને હવે જામીન મળી ગયા છે અને હવે તમામ આરોપીઓ જેલની બહાર છે. મળતી માહિતી મુજબ, દિલ્હી હાઈકોર્ટે મંગળવારે લિકર પોલિસી સ્કેમ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઉદ્યોગપતિ અમિત અરોરા અને અમનદીપ સિંહ ધલને જામીન આપ્યા છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ બંને આરોપીઓને રાહત આપતા ‘જામીન મંજૂર’ કર્યા છે.

અમિત અરોરાની 2022માં ધરપકડ કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અનુસાર, દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22માં સુધારો કરતી વખતે અનિયમિતતા આચરવામાં આવી હતી અને લાઇસન્સ ધારકોને અયોગ્ય લાભો આપવામાં આવ્યા હતા. દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2021 ના ​​રોજ આબકારી નીતિ લાગુ કરી હતી, પરંતુ ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે સપ્ટેમ્બર 2022ના અંતમાં તેને રદ કરી દીધી હતી.

ગુરુગ્રામ સ્થિત બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અરોરાની ED દ્વારા 29 નવેમ્બર, 2022 ના રોજ PMLA (પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ દાવો કર્યો હતો કે અરોરા AAP નેતા મનીષ સિસોદિયાના નજીકના સહયોગી હતા અને બંને દારૂના લાયસન્સધારકો પાસેથી એકત્ર કરાયેલા ગેરકાયદેસર નાણાંના ‘વ્યવસ્થાપન અને ગેરઉપયોગ’માં સક્રિય રીતે સામેલ હતા.

તમામ આરોપીઓને જામીન મળી ગયા છે

કેન્દ્રીય તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, બ્રિન્ડકો સેલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ધલએ અન્ય આરોપીઓ સાથે કથિત રીતે કાવતરું ઘડ્યું હતું અને તે દારૂની નીતિ ઘડવામાં ‘સક્રિયપણે’ સામેલ હતો. મહત્વનું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. કેજરીવાલ તેમનું પદ છોડવા જઈ રહ્યા છે અને તેમના સ્થાને આતિશીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અગાઉ મનીષ સિસોદિયા અને સંજય સિંહને પણ જામીન મળી ચૂક્યા છે અને તેઓ પણ જેલની બહાર છે.

Back to top button