રાજકોટમાં 30 કરોડના ખર્ચે 2026 સુધીમાં લાયન સફારી પાર્ક બનશે, કેન્દ્ર સરકારે મંજૂરી આપી
રાજકોટ, 23 ડિસેમ્બર 2023, ગુજરાતમાં લાયન સફારી પાર્કની મજા માણવા માટે લોકોએ હવે ગીર સુધી લાંબા નહીં થવું પડે, કારણ કે રાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા 33 હેક્ટર જગ્યામાં 30 કરોડના ખર્ચે લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. 2026 સુધીમાં લોકો જીપમાં બેસીને લોકો સિંહદર્શન કરી શકાશે. કેન્દ્ર સરકારે પાર્ક બનાવાની મંજૂરી પણ આપી દીધી છે. આજીડેમ અને પ્રદ્યુમન પાર્ક ઝૂના 13 સિંહમાંથી એક ગ્રુપને સફારી પાર્કમાં મુકવામાં આવશે. ગીરના જંગલ જેવી આબોહવા માટે અલગ અલગ વૃક્ષારોપણ કરવામાં આવશે. મહાનગરપાલિકા અઢી વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરશે.
ઝૂ ઓથોરેટી તરફથી રાજકોટ પાલિકાને કેટલા સૂચનો પણ મળ્યાં
રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકા લાયન સફારી પાર્ક બનાવશે જે સંદર્ભ પ્લાન્ટેશનની જે કામગીરી હોય તે ચાલુ કરી દેવામાં આવી છે. 33 હેક્ટર જેટલી જમીનમાં ઓલ ઓવર નેશનલ ઝૂ ઓથોરિટીના નામ પ્રમાણે લાયન સફારી પાર્ક બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. તેમણે કહ્યું હતું કે, આપણી પાસે લાયન બ્રિડિંગ સેન્ટર પણ આવેલું છે. આ સફારી અંગેની પ્રપોજલ પણ નેશનલ ઝૂ ઓથોરેટીને પણ મોકલી આપેલી છે. તેમના તરફથી રાજકોટ પાલિકાને કેટલા સૂચનો પણ મળ્યાં છે.
પ્રવાસીઓને રાજકોટમાં પ્રવાસન માટે નવુ નજરાણું મળશે
કમિશ્નર આનંદ પટેલે જણાવ્યું કે, નાના મોટા કન્ટ્રક્શન અને ગેટ જેવી તમામ કામગીરી અઢી વર્ષમાં પૂર્ણ કરીને જનતા માટે સફારી પાર્ક ખુલ્લો મૂકવામાં આવશે. આવતા વર્ષના બજેટમાં સફારી પાર્ક માટે અલગથી જોગવાઈ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા અઢી વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરશે અને ગીરના જંગલ જેવી આબોહવા માટે અલગ અલગ વૃક્ષારોપણ કરવામાં આવશે. લાયન સફારી પાર્ક અને પાસે જ રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ હોવાથી બંને એકબીજાના મુલાકાતીઓની સંખ્યા વધારશે. માત્ર શહેર અને આસપાસના ગામો જ નહિ પણ પ્રવાસીઓને રાજકોટ શહેરમાં પ્રવાસન માટે નવુ નજરાણું મળશે.