સેલૂનમાં હેડ મસાજ કરાવતાં પહેલાં થઈ જાવ સાવધાન, બની શકો છો આ બીમારીનો શિકાર


Lifestyle: આજની દોડધામભરી જિંદગીમાં લોકો થાક ઉતારવા મસાજનો સહારો લેતા હોય છે. જોકે ક્યારેક તે ખતરનાક સાબિત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કર્ણાટકમાં એક 30 વર્ષીય યુવકને સલૂનમાં મસાજ કરાવવાના કારણે સ્ટ્રોક આવ્યો હતો. આ સ્થિતિમાં તમારા મનમાં પણ એવો સવાલ ઉઠતો હશે કે મસાજ કરાવવાથી પણ બ્રેન સ્ટ્રોક આવી શકે? જેનો જવાબ છે હા. ખોટી જગ્યાએ દબાણ અને મૂવમેંટથી મગજની નસમાં અડચણ આવવાના કારણે સ્ટ્રોક આવી શકે છે.
શું છે મામલો
કર્ણાટકના બેલ્લારીમાં રહેતો રામકુમાર નામનો 30 વર્ષીય યુવક હાઉસકિપિંગનું કામ કરે છે. થાકના કારણે તે મસાજ કરાવવા સેલૂનમાં ગયો હતો. જ્યાં તેની ગરદન પર વધારે પડતું દબાણ આપવામાં આવતાં સ્ટ્રોક આવ્યો હતો. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રામકુમારને ગરદનમાં માલિશ બાદ ખૂબ દુખાવો થયો હતો, પરંતુ શરૂઆતમાં તેણે અવગણના કરી. મસાજના થોડા કલાક બાદ સ્થિતિ વધુ બગડી અને તેને બોલવામાં મુશ્કેલી પડવા લાગી, તેમજ જમણા હિસ્સામાં નબળાઈનો અનુભવ થયો.
યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ જણાવ્યું કે, ગરદનને જોરથી ફેરવવાના કારણે ધમની ફાટી જતાં સ્ટ્રોક આવ્યો છે. તેને એંટીકોગુલેંટ ટ્રીટમેંટ આપવામાં આવી અને બે મહિના આઈસીયુમાં રાખવામાં આવ્યો. આ પ્રકારના સ્ટ્રોકમાં મગજમાં લોહી પહોંચતું બંધ થઈ જાય છે, જેના કારણે મોતનો ખતરો પણ રહે છે.
સેલૂન સ્ટ્રોક કે બ્યુટીપાર્લર સ્ટ્રોક તરીકે ઓળખાય છે
હૈદરાબાદમાં 50 વર્ષની એક મહિલાને નવેમ્બર 2022માં સેલૂનમા હેર વોશ કરાવ્યા બાદ સ્ટ્રોક આવ્યો હતો. તેને વાળ ધોતી વખતે ચક્કર આવ્યા હતા, ઉલટી થઈ હતી. જેને સેલૂન સ્ટ્રોક કે બ્યુટીપાર્લર સ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે, જે અચાનક અને ઝટકા સાથે ગરદન ફેરવવામાં આવે ત્યારે થાય છે. આ કારણે મગજમાં લોહીનું સર્કુલેશન ઓછું થઈ જાય છે.
આ પણ વાંચોઃ સાસુ-વહુ વચ્ચે મધુર સંબંધ રાખવા હોય તો કદી ન કરશો આ 10 વાત