મોરબી જેવું મોતનું તાંડવ દ્વારકામાં ન ખેલાઈ તે માટે 25 બોટ સંચાલકોના પરવાના રદ્દ
મોરબીમાં ઝૂલતો પુલ તુટવાની ઘટનામાં 135 લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટના દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટમાં પણ ખીચોખીચ મુસાફરોને ભરી લઈ જવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો બાદ ફરી કોઈ દુર્ઘટના ન બને તેને જોતા દ્વારકા વહીવટી તંત્ર સજાગ થયું હતું અને તુરંત જ કાર્યવાહીના ભાગરૂપે 25 બોટના 7 દિવસના પરવાના રદ્દ કરી નાખ્યા હતા.
ગઈકાલે વીડિયો વાયરલ થયા બાદ મેરીટાઈમ બોર્ડની કાર્યવાહી
મોરબીની દર્દનાક ઘટનાની આખું ગુજરાત હચમચી ગયું છે. ત્યારે આ કરુણ ઘટના બાદ દેવભૂમિ દ્રારકા જિલ્લાનું તંત્ર પણ સફળુ જાગ્યું છે. ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ અંગેના મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા તાબડતોબ પગલાં લઇને 25 જેટલી બોટનો પરવાનો 7 દિવસ માટે અને 1 બોટનો પરવાનો અચોકસ મુદત માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડની આ કાર્યવાહીને લોકોએ આવાકારી હતી. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. જેમાં ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભર્યા હોવાનું દેખાઈ રહ્યું હતું. આ સાથે નિયમોનુસારના લાઇફ જેકેટ કે અન્ય કોઈ સુરક્ષાના સાધનો પણ નહી હોવાનું પણ સામે આવતા ચકચાર મચી ગઈ હતી.