LIC પણ વેચશે હેલ્થ ઈન્સ્યોરન્સ! કંપની આ સેક્ટરમાં ઝંપલાવવાની કરી રહી છે તૈયારી
- અમારી પાસે જનરલ ઈન્સ્યોરન્સમાં કુશળતાનો અભાવ છે, અમે હેલ્થ ઈન્સ્યોરન્સમાં રસ ધરાવીએ છીએ: LIC ચેરમેન
નવી દિલ્હી, 28 મે: સંયુક્ત વીમા કંપનીઓને મંજૂરી આપવાની દરખાસ્ત વચ્ચે, ભારતીય જીવન વીમા નિગમ (LIC) હવે હેલ્થ ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં પણ પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે LIC એક્વિઝિશન(અધિગ્રહણ)ની તકો શોધી રહી છે. LICના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ જણાવ્યું હતું કે, “એવી આશા છે કે નવી સરકાર દ્વારા સંયુક્ત લાયસન્સ મંજૂર કરવામાં આવશે અને અમે કેટલાક ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું છે. અમારી પાસે જનરલ ઈન્સ્યોરન્સમાં કુશળતાનો અભાવ છે, અમે હેલ્થ ઈન્સ્યોરન્સમાં રસ ધરાવીએ છીએ અને વૃદ્ધિની તકો પર પણ વિચાર કરી રહ્યા છીએ.”
સંસદીય પેનલે ખર્ચ અને અનુપાલન બોજ ઘટાડવા માટે ફેબ્રુઆરી 2024માં સંયુક્ત વીમો એટલે કે કમ્પોઝિટ લાઇસન્સ રજૂ કરવાનું સૂચન કર્યું હતું. હાલમાં, જીવન વીમા કંપનીઓ માત્ર હેલ્થ ઈન્સ્યોરન્સ હેઠળ લોંગ ટર્મ બેનીફિટ્સ કવર ઓફર કરી શકે છે. જીવન વીમા કંપનીઓને હોસ્પિટલમાં દાખલ થવા અને ક્ષતિપૂર્તિ કવચ આપવા માટે વીમા કાયદામાં સુધારો કરવાની જરૂર પડશે.
2022-23ના અંતે 2.3 કરોડથી ઓછા હેલ્થ ઈન્સ્યોરન્સ કવર્સ જારી કરવામાં આવ્યા
LICની હેલ્થ ઈન્સ્યોરન્સ પહેલ કવરેજને વેગ આપશે તેવી અપેક્ષા છે. 2022-23ના અંતે, 55 કરોડ લોકોને આવરી લેતા 2.3 કરોડથી ઓછા હેલ્થ ઈન્સ્યોરન્સ કવર્સ જારી કરવામાં આવ્યા હતા. જેમાંથી આશરે રૂ. 30 કરોડ સરકારી પ્રાયોજિત વ્યવસાય દ્વારા આવરી લેવામાં આવ્યા હતા, જ્યારે આશરે રૂ. 20 કરોડનો વીમો ગ્રુપ ઈન્સ્યોરન્સના માધ્યમથી લેવામાં આવ્યો હતો.
સરકાર અને નિયમનકારો ઇચ્છે છે કે, વધુ આરોગ્ય કવરો જારી કરવામાં આવે અને LICની આ સેક્ટરમાં એન્ટ્રી તેને વેગ આપશે તેવી અપેક્ષા છે. ઇરડા ડેટા દર્શાવે છે કે, FY23 દરમિયાન જીવન વીમા કંપનીઓએ લગભગ 3 લાખ લોકોને આવરી લેતી 2.9 લાખ નવી પોલિસી જારી કરી હતી.
LICએ માર્ચ 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 13,762 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 13,427 કરોડ કરતાં થોડો વધારે હતો. વેતન સુધારણાની જોગવાઈથી નફાને અસર થઈ હતી અને નીચા માર્જિનનુ કારણે ઉચ્ચ સમૂહ વ્યવસાયને માનવામાં આવ્યું હતું.
આ પણ જુઓ: રાહુલ ગાંધી – નરેન્દ્ર મોદી અમને રાજકારણમાં ઢસડવાનું બંધ કરે: અદાણી